કોઠારા જી.ટી. હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભુજ સ્થિત લાયન્સ હોલ ખાતે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય, શિક્ષકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા. કાર્યક્રમમાં ત્રણ ચાર દાયકા પહેલાના સંસ્મરણો વાગોડી આનંદની પળો માણી હતી. આ સમયે એકત્ર સહપાઠીઓએ વિવિધ રમતો દ્વારા બાળપણ અને શૈશવકાળને એક વખત ફરી જીવવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલી વિદ્યાર્થિનીઓ હાલમાં સરકારી કર્મચારી, અધિકારી, ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર જેવા અલગ અલગ ક્ષેત્રમા રહી નામના પ્રાપ્ત કરી છે.
સ્નેહ મિલનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ખાસ બેઠકમાં પોતાની કારકિર્દી માટે, શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોનો સિંહ ફાળો હોવાનું જણાવવાનું કહ્યું હતું. શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રભાતસિંહ જાડેજા ,વિજયાબેન ગઢવી, સુરેશભાઈ પરમાર તેમજ જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોર તેમજ માનવ જ્યોત સેવા સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ હાજર રહ્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કારકિર્દીમાં શાળાનો તથા શાળાના આચાર્યનો, શાળાના શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો હોવાનું જણાવ્યું હતું. શૈક્ષણિક સ્મરણોની સાથે સાથે વિવિધ અલગ અલગ પ્રકારની રમત ગમતનો આનંદ માણ્યો હતો. ધ્રુવીબેન કિરીટભાઈ રૂપારેલે પર્યાવરણ વિશે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. કિરીટભાઈ નરશીભાઈ રૂપારેલે આગામી સમયમાં વૃક્ષોનું વાવેતર કરવા બાબતે સંકલ્પના અને વિચારો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલાબેન સોની, જાગૃતીબેન ઠક્કર, જીજ્ઞાબેન શેઠ, દર્શનાબેન બારમેડા ,અમિતભાઈ રૂપારેલ, મયુરભાઈ વ્યાસે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ વ્યાસ તેમજ આભાર વિધિ ચંદનસિંહ રાઠોડે કરી હતી.
