~ ગાંધીધામની મહિલાના હૃદયનું પમ્પિંગ નબળું હોતાં વેન્ટિ. સારવાર દૂર કરતા ફેફસામાં પાણી ભરાવાની જટિલ સ્થિતિ સર્જાતી હતી પણ બચાવી લેવાઈ
ગાંધીધામની મહિલાના પેટમાં છ માસના ગર્ભનું મૃત્યુ થતાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું. અધૂરામાં પૂરું હૃદયના નબળાં પંપિંગને કારણે બીજી અનેક જટિલતા વચ્ચે પણ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક અને એનેસ્થેસિયા વિભાગે વેન્ટિલેટરની સળંગ સાત દિવસની સારવાર બાદ બચાવી લીધી હતી.
જી.કે.ના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.વિનોદ મકવાણાએ ગાંધીધામની ૨૭ વર્ષીય અલ્કાબેન પરમારના ઓપરેશન બાદ કહ્યું કે, આ બહેનના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને લીધે ત્યાંથી અત્રે રીફર કરવામાં આવ્યા હતા.
અત્રે તપાસ કરતાં મહિલાના પેટમાં રહેલા બાળક મૃત હતું. મૃત બાળકને સિઝેરિયન દ્વારા બહાર લીધું પણ ઓક્સિજનનું નિયમન ન હોવાથી દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું. સામાન્ય રીતે આવા બનાવમાં એક દિવસ વેંટી ઉપર મૂક્યા પછી ઓક્સિજન રાબેતા મુજબ થઈ જાય પણ આ કેસમાં મહિલાનું હૃદય ઓછું પમ્પિંગ કરતું હોવાથી ફેફસામાં પાણી ભરાતું. આ બધું એક સાથે જોવા મળે તો દર્દીને બચાવવું મુશ્કેલ બની જાય.
ડો. મકવાણાના જણાવ્યા મુજબ આ કેસમાં એનેસ્થેસિયા ટીમની ભૂમિકા પ્રભાવશાળી હતી. દર્દીને ફરી વેન્ટિલેટર ઉપર મૂકી તેના પર આ ટીમે સતત મોનીટરીંગ કર્યું, છેવટે સાતમાં દિવસે ઓક્સિજન કંટ્રોલ થયું અને તબક્કાવાર વેન્ટિલેટર હટાવવાની કાર્યવાહી કરી અને દર્દીનો છેવટે જીવ બચી ગયો.
સ્ત્રીરોગ વિભાગના ડો.પ્રકૃતિ પટેલ, ડો.આરઝુ પટેલ, ડો.ખ્યાતિ, ડો.ધરની પટેલ, ડો.મુસ્કાન દોશી તેમજ એનેસ્થેસિયાના તબીબો ડો.પૂજા ફુમકિયા, ડો.જ્હાનવી પંચાલ, ડો.ભૂમિકા ગણવિત અને ડો.અભિસાર ચૌધરી સારવાર અને ઓપરેશનમાં જોડાયા હતા.
અલ્કાબેનના બે બાળકો છે માતાનો બચાવ થતાં એક જીવ સાથે બીજા બે ને પણ પરોક્ષ જીવન મળ્યું.
