જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં 11 વર્ષના કિશોરના પેટમાં જમણા ભાગે સાયકલ હેન્ડલ વાગવાથી કિડનીનો ઉપરનો ભાગ તૂટી જતા ઊભી થયેલી જટિલતાને નિવારવા સર્જરી વિભાગે એ કિશોરની કિડની અને મૂત્રાશયને જોડતી નળીમાં ડીજે સ્ટેન્ટ બેસાડી કિડનીને સુરક્ષિત કરી બચાવી દેવામાં આવી અને કિડની કાઢવાની નોબત જ ન આવી.
મોખાણાના અરમાન નામના કિશોરને પેટમાં સાયકલ હેન્ડલ વાગવાથી સખત દુખાવો અને પેશાબમાં લોહી આવવાની ફરિયાદ સાથે જી.કે.માં સારવારાર્થે આવ્યો ત્યારે તેનું સિટીસ્કેન કરાવતા કિડનીમાં ગ્રેડ – ૪ની (ગંભીર પ્રકારના) ઇજા જણાઈ. કિડની મૂત્ર નિકાલ કરવા અસમર્થ બનતા પેટમાં મૂત્રનો ભરાવો થતો હતો અને મૂત્ર માર્ગે લોહી વહી જતું હતું.
આ જટિલતાને દૂર કરવા ઓપરેશન જરૂરી હતું.જો સમય જાય તો આખી એક જમણી કિડની કાઢવી પડે એમ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરી,કિડની અને મૂત્રાશયને જોડતી નળીમાં ડીજે સ્ટેન્ટ બેસાડી દેતાં કિડનીએ પોતાનું કામ શરૂ કરી દીધું.
આ જટિલ અને સફળ ઓપરેશન કર્યાબાદ જી.કે.ના સર્જન ડો.હર્ષ શેઠે કહ્યું કે,કિશોરનું આ નિઃશુલ્ક ઓપરેશન એન્ડોસ્કોપી(દૂરબીન)થી કરવામાં આવ્યું હતું. તરૂણાના મૂત્ર માર્ગે દૂરબીન બેસાડી શસ્ત્રક્રિયા કરતા બાળકની કિડની બચી ગઈ,અન્યથા જીવનભર એકજ કિડનીથી કામ ચલાવવું પડત.આ ઓપરેશનમાં સર્જનો ડો. રાજ ડાંગરોસીયા, ડો.નિલેશ બદાણી, ડો.તીર્થ પટેલ અને ડો.ચિરાગ દેવડા જોડાયા હતા.
