જી. કે. જન અદાણી હોસ્પિટલમાં આ સફેદ દાગ દિન નિમિતે એક વીક માટે કરાશે નિઃશુલ્ક સર્જરી

જો કોઈ વ્યક્તિને  શરીરના કોઈપણ ભાગમાં ત્વચાનો રંગ સફેદ – ભૂરા કલરનો દેખાય તો સતર્ક થઈ જવું જરૂરી છે કારણ કે, આ બદલાવ ત્વચાનો રોગ હોઈ શકે છે. આ લક્ષણને સફેદ દાગનો રોગ અને મેડિકલમાં વિટિલિગો કહેવાય છે .જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ત્વચા રોગના નિષ્ણાતોએ વિશ્વમાં ૨૫મી જૂને ઉજવાતા વિટિલિગો દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રકાશ પાડ્યો હતો.

અદાણી મેડિકલ કોલેજના આસિ. પ્રો. અને તબીબ ડૉ.જૂઈ શાહે કહ્યું કે, આ આનુવવાંશિક બીમારી છે, જેમાં ચામડી ઉપર સફેદ દાગ થઈ જાય છે.  દવાની મદદથી આછા કરી ફેલાતા અટકાવી શકાય છે. જો કે ત્વચા ઉપર જોવા મળતા તમામ સફેદ દાગ વિટિલિગો હોતા નથી. જેનું નિદાન માત્ર ચામડી રોગના નિષ્ણાતો કરી શકે છે.

આ રોગના લક્ષણો અંગે ડો.દિપાલી વડુકુલે અને ડો. ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું કે, આ સમસ્યા ૩૦ વર્ષની ઉંમરથી પહેલા વધુ જોવા મળે છે.શરીરમાં પ્રથમ હાથ પગના આંગળા અને હોઠ ઉપર જોવા મળે છે.પછી પ્રસરે છે. આવા દાગ થવાનું મુખ્ય કારણ ત્વચાના રંગ દ્રવ્યનો નાશ થવાનું છે. જેથી ત્વચા તેનો અસલી કલર ગુમાવી દે છે.

આ રોગનું પરીક્ષણ  બાહ્ય નિદાનીક દેખાવ અને વુડ્સ લેપ પરીક્ષણથી તેમજ સ્કીન બાયોપ્સિથી પણ થઈ શકે છે એમ ડો.પ્રેરક કથિરીયાએ જણાવ્યું હતું.કેટલીકવાર ભાવનાત્મક તણાવ કે કોઈ મોટી બીમારી પછી પણ આ રોગ દેખાય છે.આમ તો વૈશ્વિક વસ્તીના એકાદ ટકામાં આ રોગ જોવા મળે છે.

સારવાર અંગે તબીબોએ કહ્યું કે, આ રોગને ફેલાતો  અટકાવવા તબીબી સારવાર,  સર્જીકલ થેરાપી તેમજ યુવી થેરાપી મુખ્ય છે, જે જી.કે.માં ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં  સર્જીકલ સારવાર જેવી કે પંચ ગ્રાફ્ટિંગ, મીની પંચ ગ્રાફ્ટિંગ, મેલેનોસાઇટ  ટ્રાન્સફર વગેરે સર્જરી પણ ઉપલબ્ધ છે.

આ દિવસ નિમિતે જેમને આ રોગ થયો હોય અને એક વર્ષથી રોગ સ્થિર હોય તેમને એક અઠવાડિયા માટે જી.કે.ના ચામડી વિભાગમાં ખાસ કેમ્પ યોજી નિઃશુલ્ક સર્જરી કરી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોગ ચેપી ન હોવાથી સંસર્ગથી ફેલાતો નથી માટે જેમને રોગ થયો હોય તેમનાથી દૂર રહેવાની જરૂર નથી.

Leave a comment