આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં દસેક દિવસ માટે અટવાઈ ગયું હતું. જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આ ઉપરાંત હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તદુપરાંત ગુજરાતના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. તદુપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સહિત દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં કયાક હળવો તો કયાક ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત્ વચ્ચે રાજકોટ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારમાં છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે મોટાભાગના સ્થળો પર વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. વરસાદને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણને કારણે સામાન્ય મહત્તમ તાપમાન કરતા એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઇને ગતરોજ 38.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજેપણ અમદાવાદ શહેરમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે અને મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આજે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે બફારાનો અનુભવ રહેશે.
