કચ્છમાં અને ખાસ કરીને ગ્રામ વિસ્તારની અંદર ગરમી અને ભેજવાળા વાતાવરણ દરમિયાન સર્પદંશના બનાવવામાં વધારો નોંધાતો હોય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં જાન્યુ થી જૂન મહિના દરમિયાન વર્તમાન વર્ષમાં સર્પદંશના કુલ્લ ૬૮ બનાવોમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
જી.કે.ના ઈમરજન્સી વિભાગના ઇન્ચાર્જ ડો. સંકેત પટેલના જણાવ્યા મુજબ હવે જ્યારે વર્ષાઋતુની આલબેલ વાગે છે ત્યારે સંભવતઃ આવા બનાવો વધુ બનશે તેવા સંજોગોમા સાપ કરડે નહિ અને તેમ છતાં કરડવાનો બનાવ બને તે માટે સાવધ રહેવું જરૂરી છે.
કચ્છ અને ગુજરાતમાં ૬૦ થી ૬૨ જેટલી સાપની પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તે પૈકી ચારેક પ્રજાતિઓનો ડંખ ઘાતક પુરવાર થતો હોય છે. છતાં દરેક પ્રકારના સર્પથી સાવધ તો રહેવું જ પડે.કોઈ પણ સાપ કરડે તો પળનો ય વિલંબ કર્યા વિના કે અંધશ્રદ્ધાનો સહારો લેવા સિવાય તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો જ જોઈએ.
સર્પદંશના લક્ષણો:
કેટલીક વાર તો એ પણ ખ્યાલ નથી આવતો કે સાપ કરડ્યો છે કે કોઈ જીવજંતુ ત્યારે તેના લક્ષણો પરથી અંદાજ આવી જતો હોય છે જેમ કે, સાપ કરડે તો એ ભાગ ઉપર સોજો આવી જાય છે. કરડેલો ભાગ લાલ થઈ જતો હોય છે. લોહી નીકળે છે. ક્યારેક પેશાબમાં લોહી આવે. ઉલ્ટી – ઉબકા, હાથ પગમાં ખાલી ચડવી, આંખના પાંપણ ઢળી પડવા, બોલવામાં તકલીફ પડવી, ઘણીવાર બેભાન થઈ જવા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે.
સર્પદંશ થાય તો ડર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું:
સાપ કરડે તો પ્રથમ સર્પદંશનો હાઉ મનમાંથી કાઢી નાખવો કારણ કે મોટાભાગના સાપ બિનઝેરી હોય છે. કરડવાના ભાગને સાબુથી સાફ કરી લોહીનું પરિભ્રમણ ધીમું કરવા ડંખની જગ્યાએથી એક વેંત ઉપર પાટો બાંધવો. ઝડપથી હોસ્પિટલ પહોંચવું સાથે ખ્યાલ રાખવો જરૂરી છે કે ચુસ્તપાટો ન બાંધવો અને હલનચલન ટાળવું. કરડેલા ભાગ ઉપર મિશ્રણ કે કોઈ પણ જાતનો લેપ લગાવવો નહીં.
સાપથી સાવધ રહેવા લેવાની થતી સાવચેતી:
સૌથી મહત્વનું તો એ છે કે સાપ કરડે જ નહિ એ માટે સાવચેત રહેવું જેમકે, ખુલામાં કે ઘરમાં મચ્છરદાની બાંધી ને સૂવું જરૂરી છે. અંધારામાં જતી વખતે ટોર્ચ રાખવી. કબાટ કે ગેસના બોટલ કે કોઈ પોલાણવાળી જગ્યાએ હાથ નાખતા પહેલા સભાળવું તેમજ ખખડાટ કરીને બરાબર ચકાસી ખાતરી કરી લેવી. એવી જ રીતે ખેતરમાં કે ઘાસનાં મેદાનો કે બગીચામાં જતી વખતે બુટ પહેરીને જવું. ઝાડી ઝાંખરામાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તો જોયા તપસ્યા વિના તેમાં હાથ નહિ નાખવો. આટલી સતર્કતા રખાય તો સંભવિત મુશ્કેલી ટાળી શકાય.
