જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકે યોગ અને સંગીતનું સમજાવ્યું મહત્વ

~ સંગીત અને યોગ મન મસ્તિષ્ક અને શરીરને સ્વસ્થ રાખવા પ્રભાવક પરિબળ

~ ગાવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે ફેફસાં મજબૂત બને છે

આજકાલ જીવનશૈલી  અવ્યવસ્થિત થવાને કારણે  તણાવની બીમારીથી લોકો પરેશાન છે.  જેટલા રોગ સામે આવે છે એની દવા પણ છે, છતાં એક વાત સ્પષ્ટ છે કે સ્વસ્થ રહેવું હશે તો માનવી એ જાતને તૈયાર કરવી પડશે. ડોક્ટરો ચિકિત્સા કરશે, દવા આપશે, પરંતુ દરેકે જીવનશૈલી સુધારવી પડશે જેમાં યોગનું મહત્વ વિશેષ છે.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક ડો.મહેશ ટીલવાણીએ યોગ અને સંગીત દિવસ નિમિત્તે કહ્યું કે, યોગનો એક સિદ્ધાંત છે કે ચંચળ મનને અચળ રાખવું જોઈએ. વિચલિત ન થવું જોઈએ. જીવનમાં સામંજસ્ય  હોય તો તણાવથી મુક્ત રહી શકાશે. તણાવથી મુક્ત રહેવાય તો રોગથી બચી શકાય છે. યોગથી મન સ્થિર રહે છે, એટલે જ યોગને જીવન જીવવાનું વિજ્ઞાન કહે છે.

યોગનો પહેલો નિયમ છે કે, બાહ્ય દુનિયાથી વિચલિત થવાથી બચવું જોઈએ. એ માટે જાતને પણ ઓળખવી પડશે. જેના માટે ધ્યાન, આસન ક્રિયા વગેરે યોગ છે. યોગશાસ્ત્રમાં કહેવાય છે કે યોગ મનુષ્યમાત્ર માટે છે કોઈ પણ વયની વ્યક્તિ યોગ કરી શકે છે. જેમાં બાળકો, કિશોરો, વયસ્કો, બુઝૂર્ગો દરેકની સમસ્યાનું સમાધાન છે.

યોગાસનની અનેક પ્રક્રિયાઓ છે. દરેક યોગિક પ્રક્રિયા કરવાની પણ જરૂર નથી. યોગ તજજ્ઞ પાસે તેની સાચી ટેકનીક અને રોગ મુજબ યોગ શીખી શકાય છે.

કર્ણપ્રિય ગીત સંગીતમાં દિલો દિમાગને શાંત રાખવાની શક્તિ:

મનોચિકિત્સક તિલવાના જણાવ્યા મુજબ  યોગ દિવસ સાથે વિશ્વ સંગીત દિવસ પણ છે. કર્ણપ્રિય સંગીત, મધુર અવાજ, સુંદર રાગ, ધૂન, ભજન,ગીત, મંદિરનો ઘંટારવ, મંત્રોચ્ચાર મન મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. ઊંઘની સમસ્યામાં સંગીત અત્યંત પ્રભાવક પુરવાર થયું છે. આ ઉપરાંત સંગીત કોલેસ્ટ્રોલ, હૃદય રોગ જેવા અનેક જોખમને પણ ઓછું કરે છે. ગાવાથી ફેફસાંની કસરત થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે.

Leave a comment