કેજરીવાલને મોટો ઝટકો, લીકર પોલિસી કૌભાંડ મામલે મળેલી જામીન પર હાઈકોર્ટે લગાવી રોક

લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટનો આદેશ રદ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

માહિતી અનુસાર હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા કરાયેલી એ દલીલ ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અરજી પર જલદી જ સુનાવણી હાથ ધરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. ઈડીએ પીએમએલએની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે.

Leave a comment