હાલમાં દેશભરમાં પરીક્ષા અને પરિણામનો મુદ્દો ચર્ચામાં છે કારણકે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં કૌભાંડ ઉજાગર થયું જે બાદ યુજીસી નેટની પરીક્ષા રદ કરાઈ છે.ગુજરાતમાં અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાના અનેક પેપર ફૂટી ગયા છે રાજયથી માંડી કેન્દ્ર સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે કચ્છ યુનિવર્સિટી કેમ બાકાત રહે ! આમ પણ પરીક્ષા સંબધિત કામગીરી માટે યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ હંમેશા વિવાદમાં રહ્યો છે ત્યારે આ વખતે તો નવો છબરડો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીને પરિણામમાં માત્ર 8 માર્ક અપાયા જેથી તેણે આરટીઆઈ કરી પ્રશ્નપત્ર ચેક કરતા ગુણ 68 હોવાનું સામે આવ્યું જેથી નવી સુધારા સાથેની માર્કશીટ અપાઈ પણ તેમાં 68 ના બદલે 64 ગુણ અપાયા હતા જેથી કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
આ બાબતે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,ગાંધીધામ વિસ્તારની કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીના સેમેસ્ટર 6 ના પરિણામમાં આ ક્ષતિ ધ્યાને આવી છે.આ વિદ્યાર્થીને યુનિ.દ્વારા માર્કશીટ અપાઈ ત્યારે તેમાં એકાઉન્ટના CC606A પેપર કોડમાં 70 માંથી માત્ર 8 ગુણ અપાયા હતા બાકીના તમામ વિષયોમાં તેને શ્રેષ્ઠ ગુણ હતા પણ એક પેપરમાં માત્ર 8 ગુણ હોવાથી કેટી આવી હતી.રિઝલ્ટ જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ પણ પોતાના પર વિશ્વાસ હતો જેથી પરિવારે હિંમત આપી અને યુનિ.માં આવી ઉતરવહીની નકલ મેળવવા આરટીઆઈ કરતા જાણવા મળ્યું કે,ઉત્તરવહીમાં પેપર નિરીક્ષકે 70 માંથી 68 ગુણ આપ્યા છે જોકે યુનિવર્સિટીએ માત્ર 8 ગુણ બતાવતા વિદ્યાર્થીની કારકિર્દી સાથે રીતસરની રમત રમાઈ હોય તેવો તાલ જોવા મળ્યો હતો.રીએસેસમેન્ટ ફોર્મ અને તેની 300 રૂપિયા ફી ભર્યા બાદ નિયમ પ્રમાણે સુધારા સાથેની માર્કશીટ અપાઈ પરંતુ તેમાં પણ છબરડો કરાયો છે કારણ કે ઉત્તરવહીમાં 70 માંથી 68 માર્ક અપાયા જ્યારે નવી સુધારેલી માર્કશીટમાં 70 માંથી 64 માર્ક અપાયા છે જેથી વિદ્યાર્થીએ રજૂઆત કરતા જવાબદારોએ ભૂલ સ્વીકારી અને અરજી કરો નવી માર્કશીટ આપી દેશું તેવી વાત દોહરાવી હતી.યુની.ની બેદરકારીના કારણે સમય, શક્તિ અને નાણાંનો વેડફાટ થયો છે.
રી-એસેસમેન્ટ બાદ નવી આપેલી માર્કશીટમાં 4 ગુણ ઓછા કરી 64 અપાયા
અગાઉ પણ અનેક છબરડાઓ સામે આવ્યા છે
આ માત્ર એક કિસ્સો નથી પરંતુ આવા અનેક કિસ્સા યુનિ.માં બની ચુક્યા છે અવારનવાર પરીક્ષા ખંડમાં પેપર મોડા પડવા, ઓછા થવા,વિલંબથી પરિણામ મળવા તે સહિતની ક્ષતિઓ સામે આવતી હોય છે તાજેતરમાં યુજીના NEP પ્રમાણેના પેપર તો યુનિવર્સિટીમાં છાપવામાં આવ્યા હતા.પરીક્ષાની ઉત્તરવહીની નકલ આરટીઆઈ મારફતે આપવાનું મનસ્વી રીતે બંધ કરાયું હતું.વિદ્યાર્થીઓની રજૂઆત બાદ આ નિર્ણય મોકૂફ રહ્યો હતો.ખરેખટ હયાત સેવા ટકાવી રાખવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી હોવાનુ શિક્ષણવિદો જણાવી રહ્યા છે.
