જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનની કિડની ફેઈલ થઈ જવાને કારણે બેભાન થઈ ગયેલા યુવાનને તાત્કાલિક ડાયાલિસિસ આપી બચાવી લેવાયો હતો અને નિયમિત ડાયાલિસિસ માટે ભલામણ કરવામાં આવી હતી.
જી.કે.ના મેડિસિન વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર, માનકુવા ગામની વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાંથી અત્રે ડાયાલિસિસ માટે રિફર કરવામાં આવ્યા હતા. દર્દીના તમામ રિપોર્ટ કરાવતા કિડનીમાં ક્રિયેટીનનું પ્રમાણ ૧.૪ ની જગ્યાએ અધ..ધ..કહી શકાય તેટલું ૩૦ થઈ જતા યુરેમિક એન્સેફેલોપથી (કિડની રોગની અસાધારણ સ્થિતિ)ને કારણે ચેતના ગુમાવી દીધી હતી. એમ મેડિસિન વિભાગના ડો. યેશા ચૌહાણે અને નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરાએ જણાવ્યું હતું.
પીડિત દર્દી એક દિવસ બેભાન અવસ્થામાં રહ્યા બાદ ૪-૫ દિવસની આઇ.સી.યુ.ની સારવાર બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
દરમિયાન અત્રેના નેફ્રોલોજીસ્ટ ડો.વોરાના જણાવ્યા મુજબ લાંબા સમયથી કિડનીની બીમારીને કારણે યુવાનની કિડની નાની થઈ ગઈ હતી. તેને તાત્કાલિક ડાયાલિસિસની સારવાર મળી જતા દર્દીનનો જીવ બચી ગયો હતો.જી.કે. માં 24 કલાક ડાયાલિસિસની સારવાર ઉપલબ્ધ હોતાં કિડનીના અનેક દર્દીઓને ફાયદો થઈ રહ્યો છે.
આ સારવારમાં મેડીસિન વિભાગના ડો.પાર્થ રાઠવા,ડો.વિવેક સોલંકી ,ડો. જય ગોર અને ડો.નિકી પટેલ વિગેરે જોડાયા હતા.
