આપત્તિમાં માનવીનું લોહી જ અંતે માનવીને ઉપયોગી થાય છે. સર્જીકલ, ટ્રોમા, ગર્ભાવસ્થા કે ગંભીર એનિમિયા હોય ત્યારે રક્ત ચડાવવું જ પડે જેનો કોઈ જ વિકલ્પ નથી એમ ૧૪મી જૂનના દિવસે ૨૦ વર્ષથી દર વર્ષે ઉજવાતા રક્તદાતા દિવસ નિમિત્તે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું.
રક્તદાતા કોણ બની શકે એ અંગે તેમણે કહ્યું કે, જે સ્વસ્થ છે જેમને ગંભીર સમસ્યા નથી. ૬૦ વર્ષથી નીચેની કોઈપણ વ્યક્તિ, જેમને કમળો ન હોય એચઆઇવી કે હેપેટાઇટિસ બી. સી. ન હોય તેઓ રક્તદાતા બની શકે છે.રક્તદાન પહેલા બ્લડ બેન્કમાં ખાસ પ્રકારના રોગની તપાસણી થાય છે અને એવા રોગના લક્ષણો જણાય તો તે જાહેર પણ નથી કરાતા.
રક્તદાનથી પહેલા સાવધાની રાખવા અંગે તબીબે કહ્યું કે, શરીરમાં પૂરતું પાણી હોવું જોઈએ. ખાલી પેટે શક્ય હોય ત્યાં સુધી રક્તદાન ન કરવું. રક્તદાનથી કોઈ ખાતરો હોતો નથી. પણ રક્તદાતાને ફાયદો થાય છે.હૃદય રોગનું જોખમ ઘટે છે. સકારાત્મક અને ભાવનાત્મક સ્થિતિ સર્જાતા તણાવ ઘટે છે. મન પ્રફુલ્લિત રહે છે.
રક્તદાન અંગે સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ પણ પ્રવર્તે છે જેમ કે રક્તદાનથી કમજોરી આવી જવી. આવી માન્યતાનું ખંડન કરતાં ડો. જીજ્ઞાબેને જણાવ્યું કે, વ્યક્તિ એક યુનિટ રક્તદાન (૩૫૦ -૪૫૦ મિ.લી.) આપી શકે છે. માનવ શરીરમાં એટલી ક્ષમતા હોય છે કે રક્તદાનના એકાદ બે દિવસમાં બોનમેરો તેની ભરપાઈ કરવાનું શરૂ કરી દે છે. ઉપરાંત રક્તદાન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો ડિસ્પોઝેબલ હોવાથી સંક્રમણની કોઈ શક્યતા રહેતી નથી.
રક્તદાન માટે સોશિયલ મીડિયા પ્રભાવી:
રક્તદાન માટે સોશિયલ મીડિયા સદુપયોગની સૌથી મોટી મિશાલ છે. બ્લડ બેન્ક દ્વારા ચાલતા વોટ્સએપ ગ્રુપ મારફતે ગણતરીના સમયમાં આવશ્યક રક્ત પ્રાપ્ત થઈ જાય છે અને દર્દીને જીવતદાન મળી જાય છે. જી.કે.જન અદાણી હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વિવિધ ૮ ગ્રુપ ધારકોના રક્તદાતાઓને આવરી લેતા એટલાજ ગ્રુપ કાર્યરત છે.જેના એડમીન તરીકે દર્શન રાવલ,ભૌમિક વચ્છરાજાની, બ્રીજેન સોની,સુનીલ બિશ્વા અને સાજીદ મેમણનો સમાવેશ થાય છે.આ ગ્રુપ અંતર્ગત૧૭૦૦રક્તદાતાઓ જોડાયેલા છે. કટોકટી ટાંકણે તેઓ રક્તદાન માટે હાજર થઈ જાય છે. આ ગૃપમાં વધુમાં વધુ જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
