શુક્રવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીના ધ્યાનનો બીજો દિવસ છે. સવારે ધ્યાન કરવાની તસવીરો સામે આવી હતી. તેમાં મોદી ભગવો ઝભ્ભો પહેરેલા, હાથમાં રુદ્રાક્ષની માળા અને કપાળ પર તિલક કરેલા દેખાય છે.
તેમણે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું, મંદિરની પરિક્રમા કરી અને ધ્યાનની મુદ્રામાં બેઠા. PM 1 જૂને સવારે 10 વાગ્યા સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં રહેશે.
બીજી તરફ વિપક્ષ મોદીના ધ્યાનને આચારસંહિતાનો ભંગ ગણાવી રહ્યો છે. તમિલનાડુ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે PM પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમની સામે મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
પીએમ ગુરુવારે સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા. સૌ પ્રથમ ભગવતી દેવી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. મોદીએ પૂજા દરમિયાન સફેદ મુંડુ (દક્ષિણ ભારતનું વસ્ત્ર) પહેર્યું હતું અને શાલ ઓઢી હતી. પૂજારીઓએ તેમની પાસે વિશેષ આરતી કરાવી હતી. પ્રસાદ, શાલ અને દેવીની તસવીર આપી હતી.
તમિલનાડુ કોંગ્રેસ સમિતિએ મદ્રાસ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે વડાપ્રધાનની વિવેકાનંદ રોકની મુલાકાત સામે કોઈને વાંધો નથી, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીના 7મા તબક્કા દરમિયાન તેમની મુલાકાત એ હિન્દુ ભાવનાઓને ઉશ્કેરવા અને તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કરીને મત મેળવવાનો પ્રયાસ છે. તેથી આ અંગે કાર્યવાહી થવી જોઈએ.
બીજી તરફ, મોદીની કન્યાકુમારીની મુલાકાત અંગે થંગથાઈ પેરિયાર દ્રવિદર કઝગમ નામના સંગઠને ગુરુવારે વડાપ્રધાનના વિરોધમાં મદુરાઈમાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ સંગઠને X પર #ગો બેક મોદી (મોદી પાછા જાઓ) પોસ્ટ કર્યું છે.
ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર ચૂંટણી કાયદા હેઠળ કોઈ પ્રતિબંધ નથી. ચૂંટણી પંચે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ PMને આવી જ મંજૂરી આપી હતી. કોંગ્રેસે 29 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે PMની ધ્યાનયાત્રા આચારસંહિતાનું ઉલ્લંઘન છે.
કોંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી કે તેઓ સુનિશ્ચિત કરે કે મોદીનું ધ્યાન મીડિયામાં પ્રસારિત ન થવા દે. જોકે, જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126 ટાંકવામાં આવ્યું છે. તેમાં મૌન સમય (સાઈલન્ટ ટાઈમ) દરમિયાન જાહેર સભાઓ અથવા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનો ઉલ્લેખ છે.
મતદાન સમાપ્ત થવાના 48 કલાક પહેલા મૌન સમય શરૂ થાય છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો 30મીએ સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. આ તબક્કામાં 1 જૂનના રોજ વારાણસી સીટ પર પણ મતદાન થશે. જાણકારોના મતે આ કાયદો માત્ર એ વિસ્તારને આવરી લે છે જ્યાં મતદાન થવાનું છે.
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ‘ધ્યાન સાધના’ ચાલુ છે. પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. PM મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે.
