રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. મનપા બાદ હવે પોલીસ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જે કોઈ ડોક્યુમેન્ટ રેકર્ડ ઉપર છે તે અમે ઇન્વેસ્ટિગેશન અધિકારીને આપ્યા છે. માટે રિમાન્ડની કોઈ જરૂર નથી. તંત્રની બેદરકારીના આક્ષેપ થઇ રહ્યા છે. મૂળ સુધી પહોંચવાની વાત હતી મૂળ આવી ગયું છે. બધા પુરાવા અમે આપી દીધા છે. હજુ જરૂર હોય તો એક કે બે દિવસ રિમાન્ડ આપવા જોઈએ. 14 દિવસના રિમાન્ડની જરૂર નથી. રોહિત વિગોરા ફિક્સ કર્મચારી છે, એમને ઉપલી અધિકારીના કહેવા મુજબ કામ કર્યું છે. મુકેશ મકવાણાની 10 મહિના પહેલા બદલી થયેલી છે. યુવરાજને બાંધકામ તોડી પાડવા નોટિસ મુકેશ મકવાણાએ પાઠવેલી છે.
રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. મેં પહેલા દિવસે કીધું હતું, આ ઘટનામાં તંત્ર જવાબદાર છે. 3-3 રાજ્ય સરકાર બદલી, પરંતુ આ અધિકારી એકને એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓને કાયદાનું જ્ઞાન છે. આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. 14 દિવસ કામ કરે તો પણ દિવસ ઓછા પડે. માટે 14 દિવસના રિમાન્ડ મંજુર કરવા મારી વિનંતી છે.
રાજકોટનાં રૈયા રોડ પરની અક્ષર સ્કૂલના સંચાલકે 25 લાખના ખર્ચે ઉભું કરેલુ ટેમ્પરરી સ્ટ્રક્ચર જે મનપામાં ઇમ્પેક્ટ ફી અને ફાયર એનઓસી હોવા છતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી સ્વેચ્છાએ દૂર કર્યું છે. આ રીતે અન્ય શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કરવું જોઈએ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે
