મહિલાઓએ સ્વસ્થ રહેવા માનસિક અને બીજા રોગને નજર અંદાજ ન કરવા જી. કે. જન. અદાણી હોસ્પિ.ના તબીબોની સલાહ

વિશ્વમાં  ૨૮મી મેના રોજ વિશ્વ મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ ઉજવાય છે. મહિલાઓએ આરોગ્યની દ્રષ્ટિએ સંપૂર્ણ સ્વસ્થ રહેવું હશે તો તેમણે માનસિક હેલ્થ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ જણાવ્યું હતું.

તબીબોના જણાવ્યા અનુસાર માનસિક બીમારી કોઈને પણ થઈ શકે, પરંતુ મહિલાઓમાં  વધુ અને અલગ રીતે જોવા મળે છે. મહિલાઓ આજે પુરુષ સમોવડી હોવાથી ઘર અને નોકરીની પણ જવાબદારી હોય છે. જેથી પોતાના માટે સમય મળતો નથી. જેથી માનસિક પરેશાનીની થાય છે. પરિણામે શરીરમાં અને દિમાગમાં આવતા બદલાવને નજર અંદાજ કરે છે. જે આગળ જતા અનેક સમસ્યાઓ અને રોગ ઉભા કરે છે.એમ મનોચિકિત્સક ડો. શીવાંગ ગાંધીએ જણાવ્યું હતું.

તબીબોના મતે મહિલાઓનું મગજ પુરુષોથી અલગ રીતે વિચારે છે. પરિણામે ડિપ્રેશનમાં વધુ આવી જાય છે. વળી મહિલાઓ ઉપર સામાજિક જવાબદારી વધુ હોય છે એ કારણે પણ માનસિક અસર થાય છે. સમાજમાં ક્યાંક પુરુષ સ્ત્રીના ભેદભાવ અને દુર્વ્યવહારને કારણે પણ માનસિક અસર થાય છે.  નિરાશા તથા એકલતાની ભાવના વિગેરે કારણે મૂડમાં બદલાવ આવે છે. ચિંતા વધે છે. ખાવા પીવામાં અનિયમિતતા અને થાકને કારણે શરીર રોગનું ઘર બની જાય છે. 

અત્રે નોંધવું જોઈએ કે, ભારતીય મહિલાઓ વિશ્વની અન્ય મહિલાઓ કરતાં વધુ લાગણીશીલ હોવાથી ચિંતાનું પ્રમાણ પુરુષો કરતાં વિશેષ રહે છે જેથી તેમણે હેલ્થ પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે.

માનો ચિકિત્સક ડો.કંગના દેસાઈ અને ડો.બંસિતા પટેલના કહ્યા મુજબ એવું પણ નથી કે સારા માનસિક સ્વાસ્થ્ય માટે હંમેશા ખુશ રહેવું જરૂરી છે, પરંતુ સુખ, દુઃખ, ક્રોધને ટેકલ કરતા શીખી જવાય તો મહિલા જાતને નિરોગી રાખી શકે છે. પુરુષની સરખામણીમાં મહિલાઓ ચિંતાથી વધુ પીડિત હોય છે. જે રોગને નિમંત્રે છે. ઉપરાંત હોર્મોન્સમાં બદલાવ અને મેનોપોઝને કારણે પણ આ સ્થિતિ ઊભી થાય છે.

જી.કે. જનરલ હોસ્પિટલના અન્ય વિભાગના તબીબોના જણાવ્યા મુજબ સ્ત્રીઓમાં ગર્ભાશયના રોગ, સર્વાઇકલ કેન્સર, સ્તનના રોગો, પ્રજનન વયમાં આવતી મુશ્કેલી, વંધ્યત્વ, હૃદય રોગ, ઓસ્ટીયોપોરોસિસ વિગેરે રોગ જોવા મળતા હોય છે. 

કોઈ પણ રોગથી બચવા મહિલાઓએ જીવનશૈલી ઉપર વિશેષ ભાર મૂકવો પડશે. નિયમિત  વ્યાયામ, પૂરતી ઊંઘ, આભાર વ્યક્ત કરવાની ભાવના, સકારાત્મક વિચાર,  નિરાશાજનક વાતોથી દૂર રહેવું,  નવા નવા સંબંધો વિકસાવવા વિગેરે પણ ઉપયોગી નીકળે છે. સાથે સાથે નિયમિત ચકાસણી કરાવવામાં આવે અને તબીબ પાસે જવાની આળસથી દૂર રહેવાનું પણ એટલું જ જરૂરી છે.

Leave a comment