ગ્રાહકો-વેપારીઓને ચલણી સિક્કા સ્વીકારવા અનુરોધ

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંકલન નાગરિકો, ગ્રાહકો અને વેપારીઓ સહુ કોઇને દેશનું ચલણ, એવા સિક્કાઓનો વધુ સક્રિયપણે ઉપયોગ કરવા અને તેને અપનાવવાનું આહવાન કર્યું છે.આ જાહેર અપીલના માધ્યમથી ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, ચલણી સિક્કાઓનો ઉપયોગ અને ઘણા ફાયદાઓ ધરાવે છે. અને નાના વ્યવહારો માટે સરળ તેમજ સુવિધાજનક ચુક્વણીનું માધ્યમ પ્રદાન કરી રહેલ છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરના નાના તથા મધ્યમ સ્ટોલ ધરાવતા વિસ્તારોમાં કે જયાં ડિજિટલ ચુકવણીનો ઉપયોગ હજુ પણ મર્યાદિત રહયો હોય, તેવી પરિસ્થિતીમાં સિક્કાઓનો વ્યાપક ઉપયોગ ચલણને વધુ કાર્યક્ષમ બનાવવા સાથે સરકારને ટૂંકાણ ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે તેમ છે. જેના આધારે જરૂર જણાય ત્યારે આવા રૂા. 1,2,5, 10 કે 20 ના સિકકાઓનો સંગ્રહ ન કરતાં તેનો ચલણમાં છૂટથી ઉપયોગ કરવા જાહેર અપીલ કરાઇ છે.

ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે, રોજીંદા વ્યવહારોમાં ચુકવણી અને સિક્કાઓનો ઉપયોગ ચેમ્બરની જ રીટેલર્સ અને ટ્રેડર્સની પેટા સમિતિના માધ્યમથી ગ્રાહકો અને વ્યાપારીઓ સુધી અમલી બનાવી, દુકાનદારોને ચુકવણીમાં સિક્કાઓ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવા સાથે ગ્રાહકોને પણ તેનો સંગ્રહ સિવાય ખર્ચ કરવા પર ભાર મુક્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વ્યાપારીઓ પણ તેમના કેશ ડ્રોઅરમાં આવા સિક્કાઓ પુષ્કળ પ્રમાણમાં રાખે જેથી, ડિજિટલ યુગમાં ગ્રાહકો, નાના વ્યાપારીઓ તરફ આકર્ષાય અને આ માટે જયારે પણ જરૂર જણાય, ગાંધીધામ ચેમ્બર ધ્વારા ચલણ જાગૃતિ સેમીનારના માધ્યમથી કોઇન મેળો યોજાશે, જેથી સહુ કોઇનો વિશ્વાસ વધે અને ચેમ્બરને વિશ્વાસ છે કે, સમગ્ર સમુદાયના સક્રિય સહયોગથી આપણે ચલણી સિકકાઓના વપરાશમાં નોંધપાત્ર વધારો કરી શકીએ છીએ અને દેશના આર્થિક વિકાસમાં પણ મહતમ યોગઠાન આપી શકીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર માસ અગાઉ ગાંધીધામ ચેમ્બરે યોજેલ કોઇન મેળાને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને સિક્કાઓનું વિતરણ થવા પામ્યું હતું ત્યારે ચેમ્બરની આ અપીલ અને અભિયાનને સમર્થન આપવા માટે જરૂર જણાશે તો ફરીથી સિકકા વિતરણ મેળાનું આયોજન હાથ ધરાશે. આમ ઝડપી અને સરળ માધ્યમ માટે જયાં સ્માર્ટફોન કે ઇલેક્ટ્રોનીક ઉપરણો હજુ નથી તેઓને નાણાંકીય કે વ્યાપારિક વ્યવસ્થામાં સામેલ થવા સાથે ગ્રામીણ લોકો અને વેપારીઓને ચુક્વણી સ્વીકારવા માટે સક્ષમ બનાવી શકાશે, તેવો વિશ્વાસ ચેમ્બરની યાદીના માધ્યમથી માનદ મંત્રી મહેશ તિર્થાણી દ્વારા વ્યક્ત કરાયો હતો.

Leave a comment