રાપરના ગાગોદરમાં એક માસથી પાણીની તંગી સર્જાતા હાલાકી

ઉનાળામાં પાણીની માગ વિશેષ રહે છે, ત્યારે આ વખતે પણ પાણી તંગીના કારણે કચ્છમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. આજ પ્રકારની સમસ્યા આડેસર હાઇવે પટ્ટીના રાપર તાલુકાના ગાગોગર ગામે સર્જાઈ છે, જ્યાં પાણી સમિતિના અણઘડ વહીવટને લઈ છેલ્લા એક માસથી પાણીની હાલાકી ઉભી થઇ છે. પાણીની માગ સાથે રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલી યોજી પોતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો હતો. તો આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને આલેખી લેખિત રજૂઆત પણ કરાઇ હતી.

આ અંગે ગાગોદર ગામની વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાના નેજા હેઠળ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવડીયાને આલેખી પાણીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ નો ચિતાર પત્ર દ્વારા વ્યક્ત કર્યો હતો. પત્રમાં ગામની વર્તમાન પાણી સમિતિ અને પાણી પુરવઠા સામે ગંભીર આક્ષેપો સાથે જણાવાયું છે કે છેલ્લા એક માસથી પાણી વિતરણ ખોરંભે ચડી ગયું છે. 10 હજારની વસ્તી અને બમણું પશુધન ધરવતા ગામમાં પાણીના અભાવે લોકો અને પશુઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પાણી સમિતિ નળ કનેકશન માસિક રૂ. 60 ઉઘરાવે છે તેમ છતાં પાણી ના મળતા વેચાણથી પાણીના ટેન્કર મંગાવવા પડે છે.

પાણી ન મળવાનું કારણ ગામને પાણી પૂરું પાડતી લાઈન મારફતે હાઈવેની હોટલો, પેટ્રોલ પમ્પ અને ખાનગી રાહે પાણીની ચોરી થઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સ્થાનિક પાણી સમિતિ પણ કોઈજ કામગીરી કરી રહી નથી. જૂની પની સમિતિએ 12 વર્ષ સુધી સુચારુ વહીવટ કર્યો હતો. આ તમામ પ્રશ્ને યોગ તપાસ થાય અને પગલાં લેવાય તેવી માંગ પત્રમાં કરાઈ છે.

દરમિયાન ભચાઉ પાણી પુરવઠા કચેરીના અધિકારી જીગ્નેશ કપાસિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે ગઈકાલે જ સ્થળ વિઝીટ કરવામાં આવી છે અને જે લાઈનમાં ક્ષતિ જણાઈ છે ત્યાં કામગીરી કરાવી આજે પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. આક્ષેપોનું ખંડન કરતા કહ્યું હતું કે જો પાણી ચોરી થતી હશે તો ચોક્કસ તેની તપાસ કરવામાં આવશે અને એવું જણાશે તો કસુરવારો સામે પગલાં લેવામાં આવશે.

Leave a comment