~ ઊંચા તાપમાનમાં હાઈ બી.પી.અને ડાયાબિટીસ હોય તેમણે સતર્ક રહેવું
શરીર રચના બાહ્ય તાપમાન સાથે જોડાયેલી હોવાથી જો તાપમાન ઊંચું જાય અને તેમાંય 42 થી 46 ડિગ્રી પહોંચે તો તાપમાન નિયંત્રણની જરૂરી શારીરિક પ્રક્રિયા ખોરવાઈ જાય છે. પરિણામે શરીરમાં તેની પ્રતિક્રિયા દેખાય છે જેમ કે, માથું દુખવું, તાવ, ચક્કર આવવા ઉલ્ટી થવી અને મોઢું સુકાઈ જવું વિગેરે હોય છે.
અદાણી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના ડો. અને એસો.પ્રોફે.ડો યેશા ચૌહાણના જણાવ્યા અનુસાર આવા લક્ષણો લૂ લાગવાના હોય છે.જો લૂ લાગે તો દર્દીની વાસ્તવિક સ્થિતિ સમજવી જોઈએ. જો પસીનો ના આવે અને ગભરામણ જેવી અવસ્થા હોય તો તુરંત હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જે વાહાનમાં લઈ જવાય તે એ.સી હોય તે જરૂરી છે.
આ મોસમમાં શરીરમાં પાણી ઓછું ન થઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ લૂ માટે આ એક મોટો પડકાર છે. ઘરની બહાર જતી વખતે પાણીની બોટલ અવશ્ય રાખવી. જો પરસેવો વધુ હોય તો નમક અને ખાંડ અથવા તો ઓઆરએસનું સેવન કરવું જોઈએ. બાળકો અને બુઝૂર્ગોનું ખાસ ધ્યાન રાખવું કારણકે, અપેક્ષાકૃત તેમને વધુ અસર થાય છે. ખાસ તો તેમને ઘરમાં જ રહેવું જોઈએ અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શરીરમાં પાણી ઓછું જણાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જોઈએ.
જો વ્યક્તિ હાઈ બી.પી. અને ડાયાબિટીસથી પીડિત હોય તો આ ઋતુમાં વિશેષ ધ્યાન રાખી શરીરમાં સુગર અને બીપીને નિયંત્રણમાં રાખવું જોઈએ.
આ દિવસોમાં સુતરાઉ અને ઢીલાં કપડા પહેરવા જેથી શરીર, તાપના સીધા સંપર્કમાં ના આવે. બપોરે બારથી સાંજે ચાર વાગ્યા સુધી ઘરથી બહાર ન નીકળવું. જો બહાર જવું પડે તો માથું ખુલ્લું ના રહેવું જોઈએ. ઘણીવાર યુરીન ઓછું થઈ જાય તો ઇલેક્ટ્રોલાઇટ લેવું. ચા કોફીનું સેવન ખૂબ જ ઓછું કરવું. લાંબા સમયથી તડકામાં પડેલા વાહનમાં તાત્કાલિક બેસી જવું નહીં.
જી.કે.માં રોજ લૂ લાગવાના ૫ થી ૬ દર્દીઓ આવતા હોય છે.તેમના લક્ષણ પ્રમાણે સારવાર આપવામાં આવે છે. જો કે કોઈને દાખલ કરવા પડે એવું હજુ સુધી થયું નથી.
જો આટલી સંભાળ રાખવામાં આવે તો લૂ લાગવાની સમસ્યામાંથી ઘણે અંસે બચી શકાશે.
