હીટવેવનું એલર્ટ વધુ બે દી’ લંબાયું

રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી આકરી ગરમી પડી રહી છે. ગુરુવારે પણ મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 44ની નજીક પહોંચી ગયું હતું. જોકે પહેલાં કરતા વધુ ગરમી અનુભવાઈ હતી કારણ કે, પવનની ગતિ 30 કિ.મી. પ્રતિ કલાક રહેતા લૂ વરસી રહી હતી. હવામાન વિભાગે 24 તારીખ સુધી હીટવેવની આગાહી કરી હતી તેને લઈને રેડ અેલર્ટ પણ અપાયું હતું. જોકે ગુરુવારે હીટવેવનું એલર્ટ 26મી સુધી કરી દેવાયું છે. સતત 3 દિવસથી ભારે ગરમી પડતા ક્યાંય રાહતના એંધાણ ન દેખાતા 26મી સુધી પણ પારો 45ની આસપાસ રહેશે.

રાજકોટ શહેરમાં 20 તારીખથી 24 તારીખ સુધી હીટવેવને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં પારો 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ હતી જે પૈકી શનિવારે 44.5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે, સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બીજા દિવસે રવિવારે પણ 44 ડિગ્રી પારો રહ્યો હતો.

સોમવારે 43 ડિગ્રી થતા હવે ગરમીમાં રાહત થશે તેવી આશા હતી જોકે ફરી પારો ઊંચકાયો હતો અને બુધવારે 44 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે 43.8 ડિગ્રી રહ્યું હતું. 24મી સુધીનું એલર્ટ હતું પણ પારો સતત વધતા હવામાન વિભાગે હવે 26મી સુધી હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત તે પછીના દિવસોમાં પણ તાપમાન 43થી 44ની વચ્ચે રહેશે તેવી પણ આગાહી કરાઈ છે.

Leave a comment