જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મનોચિકિત્સા વિભાગમાં વયસ્કો કે યુવાનો માનસિક સારવાર માટે આવે એ તો સમજી શકાય પણ હવે તો બાળકોને માનસિક સારવાર અપાવા તેમના વડીલો લાવે છે તેની પાછળ સ્માર્ટ ફોન હોવાનું નિદાન મનોચિકિત્સકોએ કર્યું છે.
તબીબોના મતે હવે બાળકોને પણ ડિપ્રેશન થવા લાગ્યું છે. નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જાય છે. તોફાન કરી મૂકે છે. જેની પાછળ બાળકોમાં સ્માર્ટ ફોનનો વધતો ઉપયોગ છે. જુદી જુદી ગેમ્સ અને રિલ્સ જોઈ બાળકોનું મગજ ભ્રમી જાય છે અને તેની નિર્દોષ માનસિક ક્ષમતાને અસર કરે છે એમ અદાણી મેડિકલ કોલેજના મનોરોગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. શિવાંગ ગાંધીએ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ બાળક હજુ માંડ ચાલતા શીખ્યું હોય ત્યાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પછી તેને આદત પડી જાય છે. રમકડા કે બહાર રમવાનું તો તે ભૂલી જ ગયા છે.આ બધી બાબતો અસર કરતી હોવાથી બાળકને મોબાઇલ આપવું જ ન જોઈએ, છતાં મોબાઇલ આપવું જ પડે એવું હોય તો સ્માર્ટફોન તો ન જ હોવો જોઈએ.
મનોચિકિત્સક ડો.કંગના દેસાઈ અને ડો.બંસીતા પટેલના જણાવ્યા મુજબ આજકાલના બાળકો કુદરતથી દૂર થતા જાય છે.આખો દિવસ સ્ક્રીન ઉપર હોય છે. બાળકો ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને રીલ્સ ઉપર જોયેલા હિંસક દ્રશ્યો કૂમળા માનસ ઉપર ખરાબ માનસિક અસર કરે છે.આ સમસ્યા હવે રોજની બની ગઈ છે.
હોસ્પિટલના સાયકોલોજિસ્ટ હેતલ ગોહિલ અને કરિશ્મા પારેખના જણાવ્યા અનુસાર, પ્રથમ તો માતા પિતાનું કાઉન્સિલિંગ કરવું પડે એમ છે. બાળકોને મોબાઈલ આપવા માટે વડીલોએ સતર્ક થઈ જઈ સ્વયં નિયમો બનાવવા જોઈએ, પોતે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. બાળકોને સંસ્કાર આપવા આપણી પ્રણાલી છે, તો એજ તર્જ ઉપર હવે બાળકોને જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરવાનું શીખવાડાય એ પણ સંસ્કાર જ છે.
બાળકોને ડરાવીને – ધમકાવીને નહીં પણ પ્રેમથી સમજાવી – ફોસલાવીને સ્માર્ટ ફોનથી દુર રાખી શકાય છે. આ રીતે બાળકોના માસૂમ માનસ સાથે ખિલવાડ ટાળી શકાશે એમ માતા પિતાને સમજાવવામાં આવે છે.
