છેલ્લા ત્રણ દિવસથી અનેક જગ્યાએ ગુજરાત પર આગામી 25 તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. કારણ કે, બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યુ છે જે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે. ત્યાર બાદ 24 મે પછી ડીપ ડીપ્રેશનમાં ફેરવાય ભારત તરફ આગળ વધશે. પરંતુ હાલમાં અનેક જગ્યાએ તેમ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી 24 તારીખે આ સાઇક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચથી સાત દિવસ આ સક્રિય થઈ રહેલાં સાઇક્લોનની ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં. ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે.
બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી. કારણ કે, આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે. હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 22મી મે, 2024ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 24મી મે, 2024ની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.
આ સાયક્લોન સક્રિય થતાં પહેલાં ભારતના તટીય વિસ્તારમાં અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા સૂચવવામાં આવ્યા છે અને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 24મી અને 25મી મેના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 23 મેની સવારથી મધ્ય બંગાળની ખાડી ઉપર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તે 24 મેની સવારથી ઉત્તર બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો સુધી લંબાશે અને પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાક સુધી વધશે. 23મી મેથી મધ્ય બંગાળની ખાડી પર અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડી ઉપર સમુદ્રની સ્થિતિ ઉબડખાબડથી અત્યંત રફ થવાની શક્યતા છે.
અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. દરિયામાં માછીમારોને 23મી મે પહેલા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. આ તમામ સાવચેતીના પગલાં વચ્ચે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5-7 દિવસ માટે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું.
આગામી 7 દિવસ ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે. ઉલ્લેખનીય છે કે અનેક હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રહેશે. જેથી ગુજરાતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધુ ગતિએ પવનો ફૂંકાવાની સાથે અતિભારે વરસાદની શક્યતા છે. પરંતુ હાલ પૂરતી હવામાન વિભાગે આ તમામ આગાહીને નકારી કાઢી છે.
