દેશમાં રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સુધરીને 72 નોંધાયો

દેશમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં વધારાની સાથે જ આગામી છ મહિના માટે આશાવાદ સાથે દેશના રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને નાણાકીય સંસ્થાઓ દેશના રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રોથને લઇને આશાવાદી વલણ ધરાવે છે. નાઇટ ફ્રેન્ક અને નારેડકોના રિપોર્ટ અનુસાર આ સેન્ટિમેન્ટમાં તેજી પાછળનું કારણ અર્થતંત્રનો મજબૂત વૃદ્ધિદર અને પ્રોપર્ટીની મજબૂત માંગ છે.

રિયલ એસ્ટેટ કન્સલટન્ટ નાઇટ ફ્રેન્ક અને રિયલેટર્સ સંગઠન નારેડકોના ‘રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ Q1 2024’ અનુસાર રિયલ એસ્ટેટમાં સપ્લાય સાઇડની વચ્ચે માર્કેટ કોન્ફિડેન્સમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે.

કરન્ટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ વધીને 72 નોંધાયું છે જે ગત ક્વાર્ટર દરમિયાન 69 રહ્યું હતું. ભવિષ્યમાં પણ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સનો ગ્રાફ પણ ઉપર તરફ જણાઇ રહ્યો છે. જે ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના 70થી વધીને જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન 73 થયો છે. આ સકારાત્મક સ્થિતિ દેશના અર્થતંત્રને લઇને શેરધારકોના ટકાઉ આશાવાદ તેમજ રિયલ એસ્ટેટ માર્કેટની મજબૂત માંગનું પ્રતિક છે.

આ રિપોર્ટ રિયલ એસ્ટેટ સેક્ટરના વર્તમાન તેમજ ભવિષ્યના સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા સરવે પર એક વ્યાપક વિશ્લેષણ પૂરું પાડે છે, જેમાં આર્થિક માહોલ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો દ્વારા ફંડની ઉપલબ્ધતા સહિતના પાસાઓને નજરમાં રાખવામાં આવ્યા છે. 50નો સ્કોર તટસ્થતા સૂચવે છે, 50થી ઉપરનો પોઝિટિવ સેન્ટિમેન્ટ અને 50થી નીચેનો સ્કોર નકારાત્મક સેન્ટિમેન્ટ સૂચવે છે.

કરન્ટ સેન્ટિમેન્ટ અર્થતંત્રના મજબૂત પ્રદર્શનને દર્શાવે છે

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને એમડી શિશિર બાઇજલે જણાવ્યું કે કરન્ટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં નોંધપાત્ર રીતે વધારો એ દેશના મજબૂત અર્થતંત્રનો ચિતાર રજૂ કરે છે. તે ઉપરાંત શેરધારકો વચ્ચે પણ કોન્ફિડેન્સમાં વધારો થયો છે. તે ઉપરાંત ભારતીય ઉદ્યોગો પણ આગામી સમયમાં અર્થતંત્રના મજબૂત પ્રદર્શનમાંથી લાભ થશે તેવો આશાવાદ ધરાવે છે. નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન 8.4નો વૃદ્ધિદર અપેક્ષા કરતાં શ્રેષ્ઠ છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે દેશના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.

Leave a comment