~ વયસ્કો જ નહીં યુવાનો પણ ખાણી પીણીમાં બેપરવાહ બનવાં લીધે હાઈપર ટેન્શનની લપેટમાં
~ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બહુ તફાવત નથી
એકાએક માથું દુખે ચક્કર આવે, ધડકન વધી જાય છે એવું લાગે તો તે હાઈ બી.પી.ના લક્ષણ હોઈ શકે .આવું જો થોડા દિવસ સુધી થાય તો સાવધાન થઈ જવું કારણકે તે હાઈ બી.પી. હોઈ શકે એમ અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું.
અદાણી કોલેજના એસોસીએટ પ્રોફેસર ડો. યેશા ચૌહાણના જણાવ્યા મુજબ જો હાઈ બી.પી. યાની કે હાઈ પર ટેન્શનનો ઈલાજ સમયસર ન કરવામાં આવે તો અજુગતું થઈ શકે છે.
૧૭મી મે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ નિમિત્તે તેમણે કહ્યું કે, હાઈ બી.પી.એક જીવનશૈલી સંબંધી બીમારી છે. માત્ર વયસ્કોને જ નહીં પણ હવે યુવાનો પણ તેની લપેટમાં આવી રહ્યા છે. કેમ કે યુવાવર્ગ ખાણી પીણીમાં બેપરવાહ હોય છે. તૈયાર ભોજન અને બહારનું ખાવું તેમના માટે સામાન્ય થઈ ગયું હોવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે અને હાઈ બી.પી. થઈ જવાની સંભાવનાઓ પણ એટલી જ વધી જાય છે.
આમ તો માનવનું શરીર સંભવિત જોખમને પારખી લે છે અને સંકેત પણ આપે છે.અને એ સંકેતને પારખી જાગૃત રહેવાય અને ઉપરોક્ત લક્ષણ જણાય તો સાવચેત થઈ જવું અન્યથા હાઈ બી.પી. અનિયંત્રિત થઈ જાય છે. જે હૃદય અને રક્તવાહિનીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. આગળ જતા કિડની અને લીવરને પણ નુકસાન કરે છે, માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું, અધિક મીઠું (સોલ્ટ) જેમાં સોડિયમ છે તે નુકસાનકારક છે. આખું અનાજ લેવું, ફળ અને શાકભાજી વધુ લેવા કેમકે તેમાં પોટેશિયમ વધુ હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
સામાન્ય રીતે બી.પી. ૧૨૦(ઉપર) ૮૦(નીચું) હોવું જોઈએ. ૧૪૦ થી ઉપર હોય તો હાઈ પર ટેન્શન હોય છે. જો હાઈ બી.પી.ની દવા ચાલુ હોય તો વચ્ચેથી છોડી ન દેવી જોઈએ. આ ઉપરાંત બી.પી.નો પારિવારિક ઇતિહાસ હોય તો ડો.ની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
એક રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં હાઈ બી.પી.નું પ્રમાણ અનુક્રમે 33 અને ૨૫ ટકા જેટલું પહોંચ્યું છે.વિશ્વમાં સવા અબજથી વધુ લોકો બી.પી. ગ્રસ્ત છે. માટે દરેકે સુવા ઉઠવાનો સમય નિશ્ચિત રાખવો. શારીરિક સક્રિયતા જો ઓછી હોય તો બી.પી.ને નિમંત્રણ આપવાનું કામ થઈ રહ્યું છે.પરસેવો નીકળે એટલો શ્રમ તો ચોક્કસ કરવો જોઈએ.આમ જીવનશૈલી સુધારવાથી પણ બીપી નિયંત્રણમાં રાખી શકાય છે. હાઈ પર ટેન્શન માટે જાગૃતિ લાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ થીમ આપી કહ્યું છે કે “તમારા બી.પી.ને ચોકકસ રીતે માપો અને તેને નિયંત્રણમાં રાખી લાંબુ જીવો”.
