વ્હાઈટ હાઉસ મેનુમાં પંજાબી સમોસા પછી હવે પાણી-પુરીની એન્ટ્રી

છેલ્લા કેટલાક સમયથી વ્હાઈટ હાઉસ દ્વારા યોજાતા ભોજન સમારંભોમાં પંજાબી સમોસા તો અપાય જ છે. પરંતુ હવે તો ભારતીયોને અતિ પ્રિય તેવી પાણી-પુરીએ પણ તેમાં એન્ટ્રી કરી છે. ગત વર્ષે યોજાયેલા ભોજન સમારંભમાં તે બે વખત પીરસવામાં આવી હતી. આ વર્ષે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં પ્રમુખ જો બાયડને આપેલા ભોજન સમારંભમાં તો તે બે થી ૫ વખત પીરસવામાં આવી હતી. સોમવારે પ્રમુખે એશિયન-અમેરિકન, નેટીવ હવાઇઅન્સ અને પેસિફિક આઇલેન્ડર્સ હેરિટેજની ઉજવણી સમયે આપેલા આ ભોજન સમારંભમાં પાણી-પુરી અત્યંત પ્રિય બની રહી હતી.

આ ભોજન સમારંભમાં ઘણા એશિયન-અમેરિકન્સ હતા. તે પૈકી ઇન્ડીઅન્સ અમેરિકન્સ સૌથી વધુ હતા. તેમાં, અમેરિકાના સર્જન-જનરલ પદે પહોંચેલા ડો. વિવેક મૂર્તિ પણ વિશેષ આમંત્રિતો પૈકીના અગ્રીમ આમંત્રિત હતા. આ વિવેક મૂર્તિએ કોવિડ-૧૯ ની મહામારી સમયે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતીય સમાજના એક નેતા અજય જૈન ભૂટોરિયાએ કહ્યું હતું કે, આ ભોજન સમારંભ પછી તેઓ વ્હાઈટ હાઉસનાં મુખ્ય શેફ ક્રિસ્ટેટા કોમરફોર્ડને મળ્યા હતા અને તેઓની આ ભોજન સામગ્રીઓ માટે પ્રશંસા કરી હતી. અને પૂછયું કે તેઓ વ્હાઈટ હાઉસમાં પાણી-પુરી પણ બનાવો છો ? ત્યારે તેઓએ સસ્મિત ઉત્તર આપ્યો કે, અમે બધુ જ બનાવીએ છીએ. ‘ખોયા’ નામક સ્વીટ-ડીશ પણ બનાવીએ છીએ.

ભૂટોરિયાએ વધુમાં કહ્યું હતું કે, પાણી-પુરી તો હવે ફૂટપાથો પરથી ફાઇવ-સ્ટાર હોટેલ્સમાં પણ પહોંચી ગઈ છે.

વિદેશ મંત્રાલય દ્વારા અપાતા ભોજન સમારંભોમાં પણ તે અવશ્ય હોય છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના નિવાસસ્થાને યોજાતા ભોજન સમારંભોમાં પણ પંજાબી સમોસા અને પાણી-પુરી હોય જ છે.

ભોજન સમારંભ પહેલા ભારતીયોએ ‘સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાં હમારા’નું ગીત ગાયું હતું.

Leave a comment