અડધા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠું

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે (13 મે) ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે.

આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે આગામી 3 કલાક ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. બોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે.

બોટાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ડિસ્ક્ટ્રીક્ટ કોર્ડના પાર્કિંગ શેડના પતરા ઉડ્યા છે.

અમરેલીના વરસડામાં ભારે પવન ફૂંકાયો છે. તો લાઠીના મતિરાળામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

વલસાડના કપરાડા, સુથારપાડા, હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે જેને લઈને કેરીના પાકને નુકસાનની શક્યતા છે. તો ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે. ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવા માહોલ સર્જાયો હતો. હાલ વીજ પુરવઠો યથાવત્ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.

અમદાવાદ શહેરમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી. આશ્રમ રોડ, સીજી રોડ, નારણપુરા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. તો આ વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેથી 16 મે સુધી વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને  દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે (14 મે) અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.

Leave a comment