Sensex અને Nifty50 માટે ટ્રેડિંગના અંતિમ બે કલાક ફળ્યા

શેરબજારમાં આજે ભારે વોલિટિલિટીના અંતે છેલ્લા બે કલાકમાં અર્થાત બપોરે 1.30 વાગ્યા બાદથી બાઈંગ વેલ્યૂ વધતાં સળંગ બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 997.55 પોઈન્ટની વોલેટિલિટી નોંધાઈ હતી. એક તબક્કે 798.16 પોઈન્ટનું ગાબડું નોંધાવ્યા બાદ અંતે 111.66 પોઈન્ટ સુધરી 72776.13 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી પણ ઈન્ટ્રા ડે 22 હજારનું લેવલ તોડી 21821.05ની બોટમે પહોંચ્યા બાદ અંતે 48.85 પોઈન્ટ સુધરી 22104.05 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી સવારે 4.52 લાખ કરોડ ઘટ્યા બાદ અંતે ગત શુક્રવારના બંધ સામે 97 હજાર કરોડ વધી હતી.

સેન્સેક્સ પેકમાં સામેલ 16 સ્ક્રિપ્સમાં સુધારો અને 14માં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ 4086 સ્ક્રિપ્સમાંથી 1777 શેરો સુધર્યા હતા, 2180 શેરો ઘટ્યા હતા. બીજી બાજુ ફિઅર ઈન્ડેક્સ VIX 15 ટકા ઉછાળા સાથે 21.48ની 52 વીક ટોચે પહોંચ્યો છે. અંતે 11.52 ટકા ઉછાળા સાથે 20.60ના લેવલ સાથે હાઈ વોલેટિલિટીનો સંકેત આપે છે.

સ્ટોક માર્કેટ તેની ઈન્ટ્રા ડે બોટમથી સુધરી ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હોવા છતાં વલણ સાવચેતીનું છે. રોકાણકારોએ લોકસભા ચૂંટણીના પરિણામો અને ઉંચા વેલ્યુએશનને ધ્યાનમાં રાખવા સલાહ છે. નિફ્ટીના ડેઈલી ચાર્જ પર હેમર પેટર્ન જોવા મળી છે. જે કરેક્શનની સાથે બુલિશ રિવર્સલનો સંકેત આપે છે. જો કે, ઈન્ડેક્સ આજે 22 હજારના લેવલે બંધ રહેતાં રેઝિસ્ટન્સ લેવલ 22150-22200 અને સપોર્ટ લેવલ 21950 આપ્યું છે.

Leave a comment