ભારતીય શેર બજારોમાં છેલ્લા એક અઠવાડિયાથી કડાકા બોલાવા સાથે વોલેટીલિટી અસાધારણ બની છે. શેર બજારોમાં આજે નિફટીમાં ૧.૫૫ ટકા એટલે કે ૩૪૫ પોઈન્ટનો કડાકો અને સેન્સેક્સમાં ૧.૪૫ ટકા એટલે કે ૧૦૬૨.૨૨ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયા સાથે ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સમાં ૬.૫૬ ટકાનો ઉછાળો નોંધાયો છે.
ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સ જે ગઈકાલે ૧૭.૦૮ના લેવલે ગતો, એ આજે ૧૭.૦૮ ખુલીને ઉપરમાં ૧૯.૧૭ સુધી ઉછળીને અંતે ૧.૧૨ પોઈન્ટ એટલે કે ૬.૫૬ ટકા વધીને ૧૮.૨૦ના લેવલે રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિફટી ઈન્ડેક્સ ઓપ્શન્સના ભાવો પર આધારિત ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સ ૨૩, એપ્રિલના ૨૦ ટકા ઘટીને ૧૦.૨ના લેવલે આવ્યા બાદ આ લેવલથી ૯, મે ૨૦૨૪ના અત્યાર સુધીમાં ૭૮.૪૩ ટકા ઉછળીને ૧૮.૨૦ના લેવલે આવી ગયો છે.
લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે, અને આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ઓછા મતદાનને લઈ સત્તા પક્ષ ભાજપને અપેક્ષાથી ઓછી સીટો પર વિજય મળવાના અનુમાન થવા લાગતાં બજારમાં ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી વધતી જોવાઈ છે.
આ પરિબળોની સાથે પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો તેમના હોલ્ડિંગ્સને હેજ કરવા સુરક્ષિત ગણાતા પુટ ઓપ્શન્સ ખરીદી રહ્યા છે, અને બીજી તરફ ટ્રેડરો ચૂંટણી બાદ બજારમાં મોટી ઉથલપાથલના અનુમાનો મૂકી બન્ને કોલ્સ અને પુટ ઓપ્શન્સ બન્નેમાં ખરીદી કરી રહ્યા હોવાના પરિણામે અત્યારે બજારમાં વોલેટીલિટી જોવાઈ રહ્યાનું નિષ્ણાંતોનું કહેવું છે.
અત્રે નોંધનીય છે કે, ઐતિહાસિક ટ્રેન્ડ જોઈએ તો લોકસભા ચૂંટણીઓ પૂર્વે વીઆઈએક્સમાં મોટો ઉછાળો આવતો હોય છે. વર્ષ ૨૦૧૯માં વીઆઈએક્સ ૧૨ના લેવલથી ૧૫૦ ટકા વધીને ૩૦ થયો હતો. જ્યારે વર્ષ ૨૦૧૪માં વીઆઈએક્સ ૧૨.૫ના લેવલથી ૨૧૨ ટકા વધીને ૩૯ પહોંચ્યો હતો.
