જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આઠ આઠ વખત સ્વયંસ્ફુરિત ગર્ભપાત થઈ ગયા બાદ છેવટે નવમી વખત બેબી શિશુનો જન્મ થતાં માતા ભાવ વિભોર બની ગઈ હતી.
જી.કે.ના બાળરોગ નિષ્ણાત ડો.સંદીપ ટીલવાણીએ કહ્યું કે,બાળકનો જન્મ જી.કે.માં થયો હતો પરંતુ અગાઉ ૮ કસુવાવડ પછી બાળક તો જન્મ્યું પણ અધૂરા મહિને અને તેનું વજન માત્ર એક કિલો જ હતું એટલે બાળકને સારવાર માટે બાળરોગ વિભાગને સુપરત કરાયું હતું.
૩૦ વર્ષના જમિલાબેનને અધૂરા માસેે દુખાવો શરૂ થયો અને બેબી જન્મી ત્યારે શિશુને શ્વાસમાં તકલીફ હતી તેથી વેન્ટિલેટર ઉપર રાખી ફેફસાને મજબૂત કરવા મોંઘા ભાવના વિનામૂલ્યે સર્ફેક્ટન્ટ ઇન્જેક્શન આપી શ્વાસની તકલીફ દૂર કરાઈ.સાથે બાળકનું વજન વધારવા ખોરાક પણ જરૂરી હતું.દરમિયાન ત્રણ વખત લોહી પણ ચડાવવું પડયું હતું.
વજન વધારવા આર.ટી.(ટ્યુબ દ્વારા) ખોરાક આપ્યા પછી ક્રમશ ૪૭ દિવસે વાટકી ચમચીથી બરોબર દૂધ લેતું થયું ત્યાં સુધી હોસ્પિટલમાં રાખી સંતોષ કારક વજન વધ્યા પછી જ ઘરે લઈ જવા પરવાનગી અપાઈ.આ સારવારમાં ડો.યશ્વિ દતાણી અને ડો. લાવણ્યા સહિત એન.આઇ.સી.યુ.ની ટીમનું યોગદાન હતું.
