300 કર્મચારીઓના બળવાનો શિકાર બની એર ઇન્ડિયા એક્સપ્રેસ

એર ઈન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કારણ કે એર ઈન્ડિયાના 300 વરિષ્ઠ કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ગયા છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે.

હકીકતમાં ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી હતી. પૂરતા કેબિન સ્ટાફના અભાવને કારણે કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિતની અન્ય ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે.

ફ્લાઇટ રદ થયા પછી, એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા કેબિન ક્રૂનો એક વિભાગ છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ થઈ હતી, જેના પગલે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવામાં આવી હતી. અમે આ પાછળનાં કારણોને સમજવા માટે ક્રૂ સાથે વાત કરી રહ્યા છીએ, અમારી ટીમો અમારા મુસાફરોને કોઈપણ અસુવિધા ઘટાડવા માટે સક્રિય છે.

એરલાઈને જણાવ્યું હતું કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અસરગ્રસ્ત મુસાફરોને એરલાઈન તરફથી સંપૂર્ણ રિફંડ મળશે અથવા તેઓ કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ફ્લાઈટ્સ ફરીથી શેડ્યૂલ કરી શકશે. વધુમાં, પ્રવક્તાએ બુધવારે એરલાઇન સાથે ઊડતા મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલાં કેરિયરનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. જેથી તેઓ ફ્લાઇટની પુષ્ટિ કરી શકે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે હાલમાં 70થી વધુ એરક્રાફ્ટ છે. એરલાઇન્સ દર અઠવાડિયે 2500થી વધુ ફ્લાઇટ્સ ચલાવે છે. એરલાઇન્સ મોટાભાગે ભારત-મધ્ય પૂર્વ વિસ્તારમાં તેમની સેવાઓ પૂરી પાડે છે.

વિસ્તારાએ એપ્રિલમાં 110 ફ્લાઇટ રદ કરી હતી

ટાટા ગ્રૂપની અન્ય એરલાઇન વિસ્તારાએ ગયા મહિને 110 ફ્લાઇટ્સ રદ કરી હતી. તે જ સમયે 160થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘વિસ્તારા હાલમાં પાઇલટ્સની અછતનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી પાઇલટની અછત દૂર ન થાય ત્યાં સુધી મર્યાદિત ફ્લાઈટ્સ જ ઓપરેટ કરવામાં આવશે. રદ થયેલી ફ્લાઇટના મુસાફરોને રિફંડ પણ આપશે.

Leave a comment