વિશાળ કચ્છ જિલ્લાની છેવાડે આવેલા સરહદી લખપત તાલુકો દુધાળા પશુઓના ઉછેર માટે વિશેષ મહત્વ ધરાવે છે, જેને લઈ પશુધનની ખાસ માગ રહે છે. જોકે તાલુકા દોલતપર ગામે ગાય, ભેંસ કે બકરી નહીં પરંતુ એક બકરાની ખરીદીએ સૌને અચંબીત કરી મૂક્યા છે. અહીંના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા એક માલધારીના કચ્છી નસલના બકરાની કિંમત રૂપિયા 70 હજાર જેટલી ઉપજી છે. સારી રકમ બદલ એક તરફ માલધારીને મનમાં ખુશી છે તો બીજી તરફ લાડલા જીવથી વિખુટા પડવાનું દુઃખ પણ છે.
ભારત દેશમાં અંદાજિત બકરીઓની 22 જેટલી નસલો પ્રચલિત છે જેમાં ગુજરાતમાં મુખ્યત્વે સુરતી, મહેસાણી, ઝાલાવાડી, ગોહિલવાડી અને કચ્છી નસલની બકરીઓ જોવા મળે છે. દરમિયાન લખપત તાલુકાના દોલતપર ગામે રહેતા અને લગભગ સાત પેઢીથી બકરા પાલનના વ્યવસાય સાથે જોડાયેલા માલધારી બુધાભાઈ ખેંગારભાઈ રબારી પાસે હાલમાં 250 જેટલી બકરીઓનું વગ છે પોતાની પાસે રહેલા મોટી સંખ્યામાં ઘેટા બકરાને લઈને અવારનવાર તેઓ તેનું વેચાણ પણ કરે છે અને તેમની પાસેથી કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ આ કચ્છી નસલના બકરાઓને ખરીદી માટે અહીં આવે છે ત્યારે હાલમાં જ આ પશુપાલકે પોતાની પાસે રહેલા કચ્છી નસલના બકરાઓ પૈકીનો એક નર બકરો અંજાર તાલુકાના માલધારી ઈરફાન વાઘોડિયાને રૂ. સીતેર હજારની ઊંચી કિંમતમાં વેચાણ કર્યો છે. પશુપાલક બુધાભાઈએ જણાવ્યું હતું કે અંજાર તાલુકાના માલધારીએ બ્રિડિગ માટે આ બકરો લીધો હોવાનું કહ્યું હતું તે સાથે તેમને જણાવ્યું હતું કે પોતાની પાસે રહેલા બકરાવો પડશે અગાઉ વર્ષ 2021માં રૂ. 45 હજાર તેમજ 2022 માં રૂ. 52 હજારની કિંમતમાં નર બકરા વહેંચાયા હતા જ્યારે આ વર્ષે નર બકરો રૂપિયા 70,000 ની કિંમતમાં વહેંચાયો છે.
