જી. કે. જન. અદાણી હોસ્પિ.ના તબીબો હાસ્યને બેસ્ટ મેડીસીન માને છે

યોગાનુંયોગ છે કે વર્ષ ૨૦૨૪ મે માસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે તો બીજી તરફ મે માસનો પ્રથમ રવિવાર એટલે કે ૫મી મે ના રોજ વિશ્વ હાસ્ય દિવસ પણ ઉજવાય છે. ખડખડાટ હાસ્યને સંશોધકો બેસ્ટ મેડિસીન માને છે. તેમાંય હાસ્ય તો માનસિક આરોગ્યને સુદ્રઢ બનાવે છે જો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય તો અનેક રોગ દૂર રહે છે. એટલેજ ખડખડાટ હાસ્યને માનસિક સ્વસ્થ જીવનનું રહસ્ય કહેવાય છે.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મેન્ટલ હેલ્થ વિભાગના તબીબોએ કહ્યું કે, હસવાથી માનસિક આરોગ્ય સુધરે છે જેથી ડિપ્રેશન જેવી માનસિક બીમારથી બચી શકાય છે. હસવાથી સ્ટ્રેસ તણાવ ઓછો થાય છે. તણાવ  સકારાત્મક પ્રભાવ વધારે છે. જેથી દરેક બાબતને વ્યક્તિ પોઝિટિવ પાસાથી જ જુએ છે પરિણામે હૃદય રોગનો ખતરો પણ ઓછો થાય છે.

હસવાથી મોટો ફાયદો વ્યક્તિની યાદદસ્ત  વધે છે.  વિચારવાની શક્તિ પણ વધે  છે. મેમરીના કોષો એટલા પ્રભાવશાળી બને છે કે મોટી ઉંમરે પણ વ્યક્તિ યાદ રાખી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે રાત્રે મીઠી ઊંઘ આવે છે. હસવાથી મગજમાંથી મેલાટોનીન હોર્મોનનો સ્ત્રાવ  વધે છે જે ઊંઘ માટે મદદરૂપ છે.

સતત હસતી રહેતી વ્યક્તિના જીવનનો અભ્યાસ કરવામાં આવે તો તેઓ હંમેશા ખુશહાલ જણાશે. એક વખત જો આ કળા હસ્તગત થઈ જાય તો મગજ આપોઆપ માનસિકતાને સક્રિય બનાવી દે છે પછી તો ઉંમર વધતી હોય તો પણ વ્યક્તિ યુવા દેખાય છે.  ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

હસવાને કારણે મગજમાંથી એન્ડોર્ફિન હોર્મોન નામનો સ્ત્રાવ વધે છે, જેની ખાસ વિશેષતા એ છે કે તે પ્રાકૃતિક રીતે દર્દ નિવારક છે.  આમ હસવું એક કસરત જ છે અને કસરતને કારણે પ્રથમ તો મગજ સક્રિય થઈ જાય છે જેથી અનેક રોગમાં રાહત મળે છે,એમ ડો.મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું.

ખડખડાટ હસવાથી સેરોટોનિન હોર્મોન પણ સ્ત્રાવ થતો હોવાથી મૂડ સારો રહે છે જે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.ઉપરાંત હસવાથી ચહેરાના સ્નાયુને કસરત મળે છે જેથી માનવી રિલેક્ષ બને છે.આ તમામ લાભોને કારણે પણ ભારતના અનેક શહેરોમાં હાસ્ય ક્લબનો વ્યાપ વધ્યો છે.હાસ્યને પણ જી.કે.દ્વારા મેન્ટલ હેલ્થ માસની ઉજવણીમાં વણી લેવાશે.

Leave a comment