અદાણી મેડિકલ કોલેજ અને જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં મે ૨૦૨૪ માનસિક આરોગ્ય માસની ઉજવણીનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવતા અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડો.પંકજ દોશીએ શારીરિક આરોગ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત થવા અનુરોધ કર્યો હતો.
અદાણી મેડિકલ કોલેજ ખાતે લેક્ચર હોલમાં આયોજિત આ કાર્યક્રમમા લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા કેળવે તેવા હેતુસર ડો.દોશીએ કહ્યું કે, લોકો સામાન્ય રીતે માનસિક રોગની સારવાર લેવાને બદલે છુપાવવાનો પ્રયત્ન કરે છે,પરંતુ જિંદગી ખુબજ કિંમતી છે. રોગ છુપાવવાનો બદલે કુટુંબને વાત કરવી અને તબીબની સલાહ લેવી જરૂરી બને છે. તેમણે તબીબોને પણ આ દિશામાં જાગૃતિ ફેલાવવા હાકલ કરી હતી.
મેડિકલ ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈએ કહ્યું કે,માનસિક રોગની બાબતમાં કોઈ શું કહેશે એવી નકારાત્મક સોચને બદલે યોગ્ય સારવાર લેવા ઉપર ભર મૂક્યો હતો.આ પ્રસંગે ડીન ડો. એ.એન.ઘોષ,ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી, સિવિલ સર્જન ડો.કશ્યપ બૂચ સહિત જુદા જુદા વિભાગના હેડ, મનોચિકિત્સક વિદ્યાભ્યાસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં મનોચિકિત્સક વિભાગના હેડ મહેશ ટીલવાણીએ શાબ્દિક આવકાર આપ્યો હતો.મનોચિકિત્સક ડો.રિદ્ધિ ઠક્કરે સ્વાગત કર્યું હતું અને ડો.કંગના દેસાઈએ સંચાલન કર્યું હતું. આ વિભાગના ડો.બંસિતા પટેલ અને હેતલબેન ગોહિલ સહિત સ્ટાફ ઉજવણીને સફળ બનાવવા જહેમત લઈ રહ્યા છે.આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
