અમદાવાદની 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. અમદાવાદની 23 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. અમદાવાદ અને દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ રશિયન ડોમેઇનમાંથી થયા છે, માત્ર ઇ-મેઈલ આઈડી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું છે. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 23 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતાં તંત્ર કામે લાગી ગયું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યે એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોને મળેલા ઇ-મેઈલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ જેવું જ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે એમાંની કેટલીક સ્કૂલમાં આવતીકાલે મતદાન રાખવામાં આવ્યું છે.

‘ચેકિંગમાં કોઈપણ પ્રકારની વસ્તુ મળી નથી’

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર સરદ સિંઘલે​​​​​​ જણાવ્યું હતું કે, આજે સવારે 6 વાગ્યે 12 જેટલા અમદાવાદ શહેરમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્ય સ્કૂલોમાં એક રશિયન ડોમેઈન ધરાવતી maill.ru મારફતે ધમકી ભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે, સ્કૂલમાં બોમ્બ ધડાકો થશે. 14 સ્કૂલમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ મારફતે ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વસ્તુ મળી નથી. અગાઉ પણ દિલ્હીમાં આજ પ્રકારનો મેઈલ મળ્યો હતો, તેમાં પણ કઈ નીકળેલ નથી. નાગરિકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોને ડરવાની જરૂર નથી. તમને કોઈપણ શંકાસ્પદ લાગે તો આપ અમને જાણ કરી શકો છો. વધુમાં તેમણે અમદાવાદ સિટીની 11 સ્કૂલમાં આવતીકાલે મતદાન થવાનું જણાવ્યુ હતું.

આ ઇ-મેઈલ તૌહીદ વોરીઓરના નામથી કરવામાં આવ્યો છે, સવારે 7 વાગ્યા પછી એક પછી એક સ્કૂલને મેસેજ મળવા લાગ્યા હતા. બોમ્બની ધમકીભર્યા ઇ-મેઈલના લખાણ મુજબ…. ઇસ્તીશાદી આખા શહેરમાં ફેલાઈ ગઈ છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ પ્રતિકાર કરનારા તમામ લોકોને મારી નાખશે. અમારું ધ્યેય ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારા શરણે થાવ અથવા અમારા દ્વેષથી મરી જાઓ. અમે તમારા જીવનને લોહિયાળ નદીઓમાં ફેરવી નાખીશું.

ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડથી તપાસ

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલોની અજાણ્યા ઇ-મેઈલ પરથી ધમકી મળી હતી. એ બાદ સ્કૂલ દ્વારા DEO કચેરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યા નથી. બોમ્બ હોવાની વાત અફવા હોવાનું લાગી રહ્યું છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં.આવી રહી છે.

Leave a comment