ડાયનોસરની જેમ કોંગ્રેસ પણ ધરતી પરથી લુપ્ત થઈ જશે અને કોંગ્રેસ કોણ છે ? તેમ બાળકો પુછશે તેમ આજે રવિવારે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતાં.
ભાવનગર જિલ્લાના સિહોરના ક્રિકેટ છાપરી મેદાન ખાતે આજે રવિવારે સાંજે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા અને તેઓએ સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારમાં નવા ભારતનુ નિર્માણ થયુ છે. પહેલાની સરકારમાં પણ કામ થયુ છે પરંતુ મોદી સરકારમાં વિકાસની તિવ્રતા જોવા મળી રહી છે. ૧૦ વર્ષ પહેલા ભારતને કોઈ ગંભીરતાથી લેતુ ન હતુ અને હવે વિદેશમાં પણ ભારતને લોકો ગંભીરતાથી સાંભળે છે. અર્થશાસ્ત્રીઓ પણ ભારતન વખાણ કરે છે. કોંગ્રેસના રાજમાં આતંકવાદ વધ્યો હતો, જયારે ભાજપના રાજમાં આતંકવાદ ઘટયો છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટાચાર બહુ જ મોટી બિમારી છે અને કોંગ્રેસના રાજમાં તેના મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા તેમજ જેલમાં પણ મંત્રીઓ ગયા હતા, જયારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો છે. ૩૭૦, રામમંદિર, તીન તલાક, નાગરીક કાનુન સહિતની વાતો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કરી હતી અને ભાજપની સરકારના વખાણ કર્યા હતાં. ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારને મત આપી જીતાડવા અનુરોધ કર્યો હતો.
