જી.કે. જન. અદાણી હોસ્પિ. માં માત્ર ૬૬૦ગ્રામ વજનના નવજાતને ૭૩ દિવસની સઘન સારવારથી મળ્યું નવજીવન

   જી.કે. જનરલ  હોસ્પિટલમાં માત્ર ૬૬૦ ગ્રામ વજન સાથે જન્મેલા નવજાતને બાળ રોગ વિભાગની ટીમે ૭૩ દિવસની સઘન સારવાર બાદ 1.324 કિ.ગ્રામ એટલે કે ડબલ વજન કર્યા પછી માતાને સુપરત કરવામાં આવ્યું  ત્યારે જન્મદાત્રીની  આંખો ભીની થઈ હતી.

   જી.કે.ના બાળ રોગ નિષ્ણાત ડો. સંદીપ ટીલવાણીએ કહ્યું કે, પાટણ વિસ્તારના પીપરાળા  ગામની ૫૬ વર્ષની મહિલાએ શહેરની ખાનગી હોસ્પિટલમાં I.V.F.(ઈન વિટ્રો ફર્ટીલાઈઝેસન)ની પ્રક્રિયા સાથે માતા બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ ગર્ભસ્થ માતાનું ઈમરજન્સી સિઝેરિયન કરવું પડે એમ હોવાથી અત્રે જી.કે.માં શિફ્ટ કરાઈ અને તેનું માતા બનવાનું સ્વપ્ન સાકાર થયું.

  માતાનું સિઝેરિયન સફળ થયું, પરંતુ બચ્ચાનું વજન માત્ર ૬૬૦ ગ્રામ હોવાથી શ્વાસની તકલીફ હતી તેથી વેન્ટિલેટર અને સી -પેપ ની સારવાર સાથે નળી દ્વારા દૂધ આપવાનો શરૂ કર્યું. સાથે સાથે હિમોગ્લોબીન ઓછુ હોવાથી  લોહીની ચાર બોટલ પણ ચડાવવામાં આવી. દરમિયાન શિશુને ચેપ  લાગી જતા એન્ટિબાયોટિક સારવાર કરી અને ચમચીથી દૂધ પી શકે તેટલું ૧.૩૨૪ કી. ગ્રા .વજન થતા માતાને સુપ્રત કરવામાં આવ્યું હતું.

   આ સારવારમાં ડો.યશ્વિ દતાણી,ડો. લાવણ્યા તેમજ N.I.C.U. ની ટીમ જોડાઈ હતી.સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન ૨.૫ થી ૩ કિ.ગ્રામ વજન હોવું જોઈએ એમ તબીબોએ જણાવ્યું હતું.

Leave a comment