ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર કોઈ બેઠક બિનહરીફ

ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અગાઉની લોકસભા ચૂંટણીઓની વાત કરીએ તો તેમાં અત્યાર સુધીમાં કુલ 28 સાંસદો બિનહરીફ ચૂંટાઈ ચુક્યા છે, જેમાં કોંગ્રેસના 20 સાંસદોનો સમાવેશ થાય છે.

  • લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 28 સાંસદો બિનહરીફ ચૂંટાયા
  • પ્રથમ અને બીજી સામાન્ય ચૂંટણીમાં પાંચ સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા
  • 1967ની ચોથી સામાન્ય ચૂંટણીમાં પણ પાંચ સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા.
  • અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાંથી સૌથી વધુ ચાર સાંસદો બિનહરીફ ચૂંટાયા છે.
  • ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આસામ સહિત સાત રાજ્યોમાં બે-બે સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા.
  • અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી વધુ સિક્કિમ અને શ્રીનગરમાં બે-બે વખત બિનહરીફની સ્થિતિ જોવા મળી

દેશમાં વર્ષ 1951-52 લોકસભા ચૂંટણીની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 20 સાંસદો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટીના બે-બે સાંસદો બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે ભાજપના કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય તેવું 2024ની ચૂંટણીમાં પહેલીવાર બન્યું છે.

વિધાનસભા ચૂંટણીમાં 298 ધારાસભ્યો બિનહરીફ

વિધાનસભા ચૂંટણીની ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 298 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા આવ્યા છે, જેમાં સૌથી વધુ નાગાલેન્ડના 77 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના 63 ધારાસભ્યો, અરુણાચલ પ્રદેશમાંથી 40, આંધ્રપ્રદેશમાંથી 34, આસામમાંથી 18 ધારાસભ્યો, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છ-છ ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

સૌથી વધુ 1962માં 47 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા

અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીઓમાં વર્ષ 1962માં સૌથી વધુ 47 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ત્યારબાદ 1998માં 45 ધારાસભ્યો અને 1967 અને 1972માં 33-33 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં જ અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ (Pema Khandu) સહિત 10 ભાજપ ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

સૌથી વધુ બિનહરીફ જીતવાનો તાજ કોંગ્રેસના નામે

દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કયા પક્ષના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા? તે અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ કોંગ્રેસ (Congress)ના 195 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બીજા નંબરે નેશનલ કોન્ફરન્સનું નામ આવે છે, તેના અત્યાર સુધીમાં કુલ 34 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે BJPના અત્યાર સુધીમાં 15 અને 29 અપક્ષ (Independent) ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે.

Leave a comment