જી.કે. જન. અદાણી હોસ્પિ.ના તબીબોએ વિશ્વ લીવર ડે નિમિતે આપ્યું માર્ગદર્શન

જેમ વાહનને ચાલતું રાખવા લીવરની જરૂર પડે છે તેમ માનવ દેહને દોડતું રાખવા શરીરના મહત્વના અંગ સમાન લીવરની જરૂરી છે,  પરંતુ આજકાલ અવ્યવસ્થિત જીવનશૈલીને કારણે ભારત સહિત દુનિયા ભરની મોટી જનસંખ્યા લીવર અને ખાસ કરીને ફેટી લીવર તેમજ લીવરની અન્ય સમસ્યાથી ગ્રસ્ત છે. જી.કે.જન.અદાણી હોસ્પિટલમાં દર મહિને લગભગ ૮૦ જેટલા દર્દી લીવરની સારવાર લેવા આવે છે.

વિશ્વ લીવર દિવસ (૧૯મીએપ્રિલ) નિમિતે મેડિસીન વિભાગના તબીબોએ જણાવ્યું કે, ફેટી લીવર ઉપરાંત લીવરમાં સોજો, સિરોસિસ, હેપેટાઈટીસ બી અને સી જેવી સમસ્યા પણ જોવા મળે છે. એમ હોસ્પિટલના મેડિસીન વિભાગના એસો.પ્રોફે. ડો.યેશા ચૌહાણે જણાવ્યું હતું.

લીવર બગડવાને કારણો અંગે તેમણે કહ્યું કે ખાવા પીવામાં નિષ્કાળજી, દારૂનું સેવન, સતત એક જ જગ્યાએ બેસીને કામ કરવું, વધુ પડતી ખાંડ અને નમક તથા જંકફુડ વગેરે લેવાથી  પણ લીવર સંબંધિત મુશ્કેલી ઊભી થાય છે. હવે મેટાબોલિક એસોસિએટેડ ફેટી લીવરની સમસ્યા પણ જોવા મળે છે. તેમાં પણ જો કોઈને ડાયાબિટીસની અને બી.પી.ની સમસ્યા હોય તો લીવરને વધુ નુકસાન કરે છે, એમ તબીબે કહ્યું હતું.

લક્ષણો અંગે તબીબોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં લીવરની સમસ્યાના કોઈ સ્પષ્ટ લક્ષણ દેખાતા નથી હોતા પરંતુ નિયમિત પરીક્ષણથી જ તેનો ખ્યાલ આવે છે. ઘણીવાર આ સમસ્યા વધી જાય ત્યારે જ તેનો અંદાજ આવે છે. પગમાં સોજો, પેટ ઉપર વધુ ચરબી, પેટમાં પાણી ભરાય તેવા લક્ષણો જણાય તો લીવરની સમસ્યા હોઈ શકે છે. ક્યારેક તો જાણે અજાણે ડ્રગ્સ સેવનથી  પણ  હિપેટાઇટિસની શક્યતા વધી જાય છે.

આવા લક્ષણો દેખાય તો જરૂરી ટેસ્ટ કરાવી લેવા જોઈએ. ફાઈબ્રોસ્કેનથી આ બીમારીનો ખ્યાલ આવી જાય છે. શરીરમાં જો વધુ ચરબી હોય તો નિયમિત લીવરની ચકાસણી કરાવી જોઈએ. લિપિડ  પ્રોફાઈલ ટેસ્ટ પણ કરાવી શકાય. ટેસ્ટથી આગોતરો ખ્યાલ આવી જાય તો સારવાર યોગ્ય રીતે થઈ શકે.

લીવર ના કોઈ પણ રોગથી બચવું હોય તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને વ્યાયામ જરૂરી છે. ભોજનમાં ખાંડ અને નમક ઓછું કરવું. પ્રોટીન યુક્ત ખોરાક વધારવો. પનીર, સોયા, બદામ, અખરોટ તેમજ વિટામિન એ અને ઈ હોય તેવા ખોરાકનું સેવન કરવું. માંસહારીઓએ રેડમીટ નું સેવન ઘટાડી દેવું જોઈએ. રોજ ૧૫ થી ૩૦ મિનિટ વોકીંગ અને કસરત એટલી જ જરૂરી છે.  સાયકલિંગ લીવરને સેહતમંદ રાખે છે એમ મેડિસિન વિભાગના ડો.મોહીની શાહે જણાવ્યું હતું.

Leave a comment