“આભાર કે ઉપકાર માનવો એ ‘શિસ્ત’ છે, પરંતુ ઉપકારને યાદ રાખવો એ ‘સંસ્કાર’ છે.”

“આભાર કે ઉપકાર માનવો એ ‘શિસ્ત’ છે, પરંતુ ઉપકારને યાદ રાખવો એ ‘સંસ્કાર’ છે.” ઉપરોક્ત પંક્તિને ચરિતાર્થ કરતાં બાળકોમાં જીવનમૂલ્યો વિકશે, પોતાની લાગણીને વ્યક્ત કરી શકે તેમજ જીવનમાં વણી શકે તે હેતુથી અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે સંવેદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં બાળકોની રુચિ, સ્વાસ્થ્ય તેમજ શારીરિક પોષણને વિશેષ પ્રાધાન્ય આપતી ભોજન ટીમ, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ની ભાવનાને આત્મસાત કરી સમગ્ર શાળામાં કાર્યરત એવા સફાઈ કામદારો તેમજ હંમેશા બાળકોની ચિંતામાં તત્પર એવા બાળકોને ઘરથી શાળા સુધી લઈ આવનાર વાહનચાલકોની ઉત્કૃષ્ટ કામગીરીથી પ્રસન્નોચિત એવા શાળાના બાળકોએ પોતાની સૂજબુજ તેમજ આગવી શૈલીથી ઋણ સ્વીકાર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન કર્યું.

કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષકશ્રીએ મૌખિક અભિવાદન દ્વારા કરી. ત્યારબાદ શાળાના સંગીત શિક્ષકે ભાવગીત દ્વારા શાળાના ભોજન સ્ટાફ, સફાઈ કામદારો તેમજ બાળકોને પરિવહનમાં મદદરૂપ થતાં ડ્રાઈવરો પ્રત્યે ઋણની લાગણી અભિવ્યક્ત કરી. તદ્ઉપરાંત ધોરણ ૯ ના બાળકોએ તમામ મદદનીશ વ્યક્તિઓનો લાગણીશીલ ભાષાશૈલીમાં પોતાના શબ્દોને કાર્ડ દ્વારા વર્ણવી, દરેકને કાર્ડ આપી આભારની લાગણી અભિવ્યક્ત કરી. આ ઉપરાંત શાળાના 5 બાળકોએ શબ્દ સરવાણી મારફતે સંવેદના રજુ કરી.

ત્યારબાદ દરેક મદદનીશ ટીમના સભ્યોએ શાળા તેમજ બાળકો પ્રત્યેની તેમની લાગણી ભાવવાહી શૈલીમાં રજુ કરી, સમગ્ર વાતાવરણને સંવેદનશીલ બનાવી દીધું. શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાની આગવી પ્રતિભા તેમજ નેતૃત્વ દ્વારા પ્રશંસનીય કાર્ય કરવા બદલ ધોરણ-૯ ના વિદ્યાર્થી માંજલીયા નજીર અને સોતા મહેરને અદાણી ફાઉન્ડેશન દ્વારા ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યારબાદ કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ મદદનીશ સમૂહના દરેક સભ્યોનો લાગણીસભર ભાષામાં હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને બાળકોને પોતાની સંવેદનશીલ ભાષા દ્વારા પ્રોત્સાહિત તેમજ જીવન ઉત્કર્ષ માટે પ્રેરિત કર્યા.

બાળકોની વડીલો પ્રત્યેની આ ઋણ સ્વીકારની ભાવના આજના આ જ્ઞાનવિસ્ફોટક યુગમાં માત્ર જ્ઞાન જ નહીં પરંતુ અન્યને મદદરૂપ થવાની સાથે સાથે અન્ય પ્રત્યે ઉપકારની ભાવના કેળવી એક નૂતન વિચારધારાનું નિર્માણ કરી, શ્રેષ્ઠ સમાજના નિર્માણના પ્રવર્તક બની રહેશે.

Leave a comment