અદાણી વિદ્યામંદિર-ભદ્રેશ્વરના ભૂલકાઓ દ્વારા મતદાન સંકલ્પપત્ર, ચિત્રસ્પર્ધા અને માનવસાંકળ રચી વોટીંગ માટે પ્રેરક પ્રયાસ

મતદાતા એ દેશનો ભાગ્યવિધાતા, મતદાન એ મહાદાન અને મારો મત એ મારું ભવિષ્ય જેવા અનેક સૂત્રો દ્વારા લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બનવા મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે. આ વર્ષે એ જ ઉપક્રમને ધ્યાનમાં રાખી અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર (AVMB) ખાતે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી મતદાતા જાગૃતિ માટે પ્રેરક પ્રયાસ હાથ ધર્યા હતા.

લોકસભા-2024ની સામાન્ય ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે AVMBના વિદ્યાર્થીઓએ મતદાનનું મહામુલ્ય સમજાવવા અનોખા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં મતદાન સંકલ્પપત્ર વિતરણ, મતદાન થીમ અંતર્ગત ચિત્રસ્પર્ધા તેમજ માનવ સાંકળ રચી મતદારોની ભાગીદારી વધારવાના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક સપ્તાહ સુધી આયોજીત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉત્સાહભેર જોડાઈ અવશ્ય અને અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

AVMBના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે હાથ ધરેલા આ અનોખા અભિયાનમાં 80+ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર મતદાન થીમ અંતર્ગત ચિત્રસ્પર્ધામાં જોડાયા હતા. જેમાં મતદાન કરતી વેળાઓ ધ્યાનમાં લેવાની બાબતો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના પ્રયોગને ટાળવા પણ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમણે મતદાન જાગૃતિ અંગે વિવિધ સ્લોગનનું કલાત્મક ચિત્રણ પણ કર્યું હતું. મતદારોને પોતે અને પોતાના પરિવારને મતદાન કરાવવા સંકલ્પ પણ લેવડાવામાં આવ્યા હતા.

ગુજરાતની તમામ 26 બેઠકો પર આગામી 7 મે ના રોજ મતદાન થશે. વિદ્યાર્થીઓએ મતદારોને કિંમતી મતનું મહત્વ સમજાવી તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા અપીલ કરવામાં આવે છે. વધુને વધુ લોકો મતાધિકારનો પ્રયોગ કરી સરકાર બનાવવામાં સહભાગી બને તે માટેનો વિદ્યાર્થીઓનો આ સ્તુત્ય પ્રયાસ હતો.

Leave a comment