જી.કે.જન.અદાણી હોસ્પિ.ના સ્ત્રીરોગ નિષ્ણાતોએ માતૃત્વ દિવસ નિમિતે આપ્યું માર્ગદર્શન

~ માતૃત્વનો સુખદ અહેસાસ માણવા તબીબોની સલાહ સાથે પોતાની ઉચિત સંભાળ રાખવી

દરેક મહિલાઓ માટે માતૃત્વનો લહાવો એક સુખદ અહેસાસ હોય છે. પરંતુ ક્યારેક સગર્ભા અવસ્થા જ અનેક કારણોસર પડકાર બની જાય છે, ત્યારે સગર્ભા માતાઓએ પોતાનું તેમ જ પોતાના બાળકનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બને છે.પ્રેગનન્સી દરમિયાન માતાઓએ ખાસ કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એ અંગે જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબોએ રાષ્ટ્રીય માતૃત્વ સલામત દિવસ નિમિત્તે માર્ગદર્શન આપ્યું છે.

        સગર્ભા  અવસ્થા દરમિયાન પ્રથમ તો માતાઓએ જાતે જ પોતાની ઉચિત સંભાળ રાખવી જરૂરી બને છે. આ સાથે ખાવા પીવા ઉપરાંત પૂરતી ઊંઘ, આવશ્યક દવા લેવી જરૂરી બને છે. સગર્ભા માતાઓમાં જાગૃતિ આવે એટલે જ પ્રતિવર્ષ ૧૧મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. તબીબો ગર્ભવતી માતાઓને બાળકના જન્મ પહેલા રાખવાની મુખ્ય ત્રણ અવસ્થા ઉપર ભાર મૂકે છે, જેથી માતૃત્વ સલામત સચવાઈ રહે. 

        જી.કે.ના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મી પાવાણી અને ડો.પ્રફુલ્લાબેન ભીંડેએ કહ્યું કે ૯ મહિનાને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રથમ ત્રણ માસ (ફર્સ્ટ ટ્રાઈમેસ્ટર)માં પ્રથમ દિવસથી ૧૨ સપ્તાહ સુધી  ફોલિક એસિડ દવા, વિટામિન અને ખનીજથી ભરપૂર ખોરાક તેમજ તમામ સામાન્ય દૈનિક ગતિવિધિ ચાલુ રાખવી સિવાય કે તબીબોની કોઈ ખાસ સૂચના હોય તો પેટમાં રહેલા ભ્રુણને પોષણ મળે એ માટે તબીબની સૂચના મુજબ ખોરાક લેવો. ઝંક ફૂડથી દુર અને કબજિયાત થાય એવો ખોરાક પણ ન લેવો અને તબીબની સૂચના મુજબ જરૂરી ટેસ્ટ કરવી લેવા.

        બીજા ત્રણ મહિનાના તબક્કામાં એટલે કે ૧૩ થી ૨૬ સપ્તાહ દરમિયાન અને અંત સુધી  (સેકંડ એન્ડ થર્ડ ટ્રાઈમેસ્ટર) ના દિવસોમાં આયર્ન અને કેલ્શિયમની દવા લેવી, પર્યાપ્ત દૂધ અને પૂરતું પાણી પીવું. યોગાસન અને નિયમિત કસરત કરવી, હળવું વોકિંગ કરવું. પ્રસન્ન રહેવું, નવા  મહેમાનના સ્વાગતની તૈયારી માટે જાતને અને ઘરને સજ્જ કરવું આ સપ્તાહમાં જાતીય સંબંધથી દૂર રહેવું. ખાસ કરીને ખોડ ખાંપણ વાળું બાળક ના હોય એ માટે તબીબની સૂચના મુજબ સોનોગ્રાફી કરાવી લેવી.પ્રથમ દિવસથી લઈને અંત સુધી આરામદાયક કપડાં પહેરવા ને ઊંચી એડીના સેન્ડલ ન પહેરવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. વિનોદ મકવાણાએ આપી હતી.

પ્રેગનન્સીમાં આ બાબતોનું ધ્યાન રાખવું

સગર્ભા અવસ્થા દિવસથી આ બાબતોથી દુર રહેવા તબીબોએ જણાવાયું છે. જેમાં શરાબ, ધૂમ્રપાન, ચીડિયાપણું, ટેન્શન, ગરમ પાણીથી નહાવું (જો કે નવશેકા પાણીથી સ્નાન કરી શકાય), કોફી, મસાજ વિગેરેનો સમાવેશ થાય છે.

Leave a comment