જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ચાર માસના બાળકમાં જન્મજાત ખામીને કારણે હોજરીનો ભાગ છાતી ઉપર આવી જતાં (કોંજીનેન્ટલ ડાયાફ્રેમેટીક હર્નીયા) દબાણ વધવાથી મેડિકલ ઈમરજન્સી સર્જાતા સર્જરી વિભાગે તાત્કાલિક ઓપરેશન કરી બાળકને જીવતદાન આપ્યું હતું.
સામખિયાળી ગામના બાળકને જન્મથી જ પેટ અને છાતીને જુદા પાડતા ઉદરપટલમાં છેદ હોવાને કારણે હોજરીનો એક ભાગ છાતીમાં ચડી ગયો હોવાથી એક બાજુનું ફેફસું દબાતું હોવાને કારણે બાળકને શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થઈ હતી.જો તાત્કાલિક શસ્ત્રક્રિયા ન કરાય તો ફેફસાને મોટું નુક્સાન થાય અને કટોકટી સર્જાઈ શકે એમ સર્જન ડો.આદિત્ય ડી. પટેલે જણાવ્યું હતું. બાળકમાં આ ખોટ સીટી સ્કેનથી જાણવા મળી હતી.
બાળક માતાનું દૂધ લેતું એ સાથે જ ઉલ્ટી થઈ જતી હોવાથી શ્વાસ અને ખોરાક એમ બંને અસર ઊભી થઈ હોવાથી સમસ્યા બેવડાઈ જવાને કારણે તાત્કાલિક શસ્ત્રક્રિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. બાળકમાં મોટાભાગે આવી સમસ્યા જન્મજાત અને ભાગ્યે જ જોવા મળે છે.
આ શસ્ત્રક્રિયામાં ડો.હર્ષ શેઠ, ડો.દેવાંશી દધાણીયા,ડો.યસ પટેલ અને ડો.કિશન મીરાણી જોડાયા હતા.
ડાયાફ્રેમેટીક હર્નીયા શું છે.
ડાયાફ્રેમ એ છાતી અને પેટના પોલાણ વચ્ચે ગુંબજ આકારનો સ્નાયુ હોય છે, જે છાતી અને પેટના અંગને અલગ કરે છે. ડાયાફ્રેમેટીક ત્યારે થાય છે જ્યારે પેટનો અવયવ છાતી ઉપર જાય છે, જે દબાણ કરે છે અને તબીબી કટોકટી ઉભી કરે છે. જેને નિવારવા તાત્કાલિક સર્જરી ની જરૂર પડે છે.
