“પહેલું સુખ તે જાતે નર્યા“ એ સૂત્ર સાર્થક કરતા અદાણી જૂથ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રવિવારે(14-એપ્રિલ) અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા ખાતે મલ્ટી સ્પેશિયાલીટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન તેમજ દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગત રવિવારે મુંદ્રા ખાતે આયોજીત મલ્ટી સ્પેશિયાલીટી કેમ્પમાં મુંદ્રાની આસપાસના લોકોએ જનરલ રોગોની તપાસ, નિદાન સહિત તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો પૂરતો લાભ મળી રહે તે માટે ફાઉન્ડેશનની ટીમ દ્વારા માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સ્થાનિકોએ આ મેડિકલ કેમ્પમાં હાજર રહી આરોગ્ય લાભ લીધો હતો.
આંતરિયાળ ગામોમાં રહેતા લોકો ઘરઆંગણે મેડિકલ સુવિધાઓના અભાવે છાસવારે પીડા સહન કરતા હોય છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ તેમનું આ દર્દ સમજીને અવારનવાર મેડિકલ કેમ્પ્સનું આયોજન કરતી રહે છે. તાજેતરમાં આયોજીત મેડિકલ કેમ્પમાં કુલ 127 થી વધુ દર્દીઓનું નિદાન કરી તેમને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. અદાણી હોસ્પિટલ આધુનિક સાધનો અને રોગ-નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમાં સાર્થક સેવાઓ આપી રહી છે. માછીમાર વસાહતોમાં મેડિકલ મોબાઈલ વાન તથા દવાખાનાની સુવિધા અપાઈ રહી છે. જન આરોગ્ય સંવર્ધન હેતુ આયોજીત આ મલ્ટીસ્પેશ્યાલિટી કેમ્પમાં અદાણી હોસ્પિટલના ડૉ. હાર્દિક જોબનપુત્રા (એમ.ડી ફીઝીસિયન), ડૉ. રાજેશ શુક્લા (જનરલ સર્જન), ડૉ. ત્રિયાંક શુક્લા (એમ. ડી. પિડીયાટ્રીક્સ), ડૉ. બીકેશ મેહતા (ઓર્થોપેડિક સર્જન), ડૉ. પૂર્વીબા જાડેજા (બી.ડી.એસ.) સહિત જનરલ ફિઝિશ્યન ડોક્ટરોએ સેવા આપી હતી.
