અદાણી ગ્રૂપની કંપનીઓએ રોકાણકારને એક વર્ષમાં બમણાથી વધુ વળતર આપ્યું!

અદાણી ગ્રુપના રોકાણકારને બખ્ખા થઈ ગયા છે. અદાણી ગ્રુપની કંપનીઓએ રોકાણકારને એક જ વર્ષમાં બમણાથી વધુનું વળતર આપ્યું છે. એક વર્ષ અગાઉ જ્યારે હિંડનબર્ગના કથાકથિત આરોપોથી અદાણી ગ્રૂપના શેરોમાં નરમાઈ જોવા મળી હતી, ત્યારે યુએસ રોકાણકાર – GQG પાર્ટનર્સે ગ્રૂપના શેરોમાં રૂ. 15,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. આજે એ જ રોકાણ GQG પાર્ટનર્સને મબલખ કમાણી કરાવી રહ્યું છે.

અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ પેઢીના હોલ્ડિંગનું બજાર મૂલ્ય એક વર્ષમાં બમણાથી વધુ થઈ ગયું છે. 2જી માર્ચ, 2023ના રોજ GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી એનર્જી સોલ્યુશન્સ (અદાણી ટ્રાન્સમિશન), અને અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કરી અમુક હિસ્સો હસ્તગત કર્યો હતો. આજે એક વર્ષ બાદ જૈનની કંપનીઓમાં રોકાણનું બજારમૂલ્ય બમણાથી વધુ થઈને રૂ.34,489 કરોડ થઈ ગયું છે.

GQG પાર્ટનર્સના ચેરમેને એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે “અદાણી કંપનીઓમાં પોઝિશન શરૂ કરવા માટે હું ઉત્સાહિત છું. અમે માનીએ છીએ કે એ કંપનીઓમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ નોંધપાત્ર છે.અમે એવી કંપનીઓમાં રોકાણ કરીને આનંદિત છીએ જે ભારતની અર્થવ્યવસ્થા અને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં મદદ કરતી હોય. 

માર્ચમાં ચાર કંપનીઓમાં કરેલા પ્રારંભિક રોકાણથી ન અટકી GQG એ વધુ બે અદાણી કંપનીઓમાં તેનું હોલ્ડિંગ લગભગ બમણું કર્યું અને અન્ય બે કંપનીઓમાં વધુ હિસ્સો ખરીદ્યો. જૂન ક્વાર્ટરમાં, જૈને અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીન એનર્જીમાં વધુ રોકાણ કર્યું અને અંબુજા સિમેન્ટ્સમાં નવો હિસ્સો ખરીદ્યો.

સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની તપાસને માન્યતા તેમજ તેને આગળ વધારવાના આદેશ આપ્યા બાદ જૂથમાં રોકાણકારનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં GQG પાર્ટનર્સે અદાણી પાવરમાં $1 બિલિયનથી વધુનું રોકાણ કર્યું હતું.

છેલ્લા એક વર્ષમાં પ્રમોટર સ્તરે બેલેન્સ શીટને ડિલિવરેજ કરવા, દેવું ઘટાડવા અને બિઝનેસ વધારવાની યોજનાઓ જારી રાખવાના પ્રયાસોએ અદાણી જૂથના શેરોની રિકવરીમાં ભારે મદદ કરી છે. અદાણી ગ્રુપના પોર્ટફોલિયોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો કર્યો હતો. GQG પાર્ટનર્સ દ્વારા કરાયેલા રોકાણ બાદ અદાણી ગ્રૂપના ચાર શેરોની માર્કેટ વેલ્યુ બમણી થઈ ગઈ છે.

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કે સેબીમાંથી અન્ય તપાસ સંસ્થાઓને તપાસ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી, અને બજાર નિયમનકારની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવી એ અદાણી જૂથ માટે લાભદાયી નીવડ્યું હતુ. આ તમામ પરિબળોને કારણે અદાણી ગ્રુપના શેરોમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. અદાણી જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. વિશ્લેષકો તમામ કંપનીઓના વ્યવસાયની સંભાવનાઓ પર મોટો દાંવ લગાવી રહ્યા છે.

તાજેતરમાં વૈશ્વિક રિસર્ચ/બ્રોકરેજ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આગાહીઓએ પણ અદાણી ગ્રુપની શાખમાં શાખ પૂરી છે. Jefferies India એ અદાણી એન્ટરપ્રાઇઝિસનો કોન્સોલિડેટેડ ઓપરેટિંગ નફો FY26માં બમણો અને FY28 સુધીમાં 3 ગણો વધવાની સંભાવના વ્યક્ત કરી છે. જેફરીઝ માને છે કે નવા વ્યવસાયો – ગ્રીન હાઇડ્રોજન, એરપોર્ટ, ડેટા સેન્ટર, રોડ્સ, કોપર વગેરેમાં અદાણી ભવિષ્યમાં ઉદ્યોગ અગ્રણી તરીકે ઉભરી આવશે. યુએસ સ્થિત રિસર્ચ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડ એન્ડ કંપનીએ પણ અદાણી એન્ટરપ્રાઈઝમાં રોકાણ કરવાથી વધુ લાભ મળવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

BSEના શેરહોલ્ડિંગ ડેટાના વિશ્લેષણ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોએ અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. જેમાં અદાણી વિલ્મર અને સિમેન્ટ કંપનીઓ અંબુજા અને ACCનો સમાવેશ થાય છે. રોકાણકારો ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપમાં બુલિશ થયા હોવાનું જણાઈ રહ્યું છે.

Leave a comment