રાહુલે વાયનાડથી ઉમેદવારી નોંધાવી પ્રિયંકા સાથે રોડ શો કર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળની વાયનાડ બેઠક પરથી ફોર્મ ભર્યું છે આ પહેલા રાહુલે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે લોકોને કહ્યું કે તમારા વિસ્તારના સાંસદ હોવુ તે સૌભાગ્યની વાત છે.

આ સાથે કોંગ્રેસે પાર્ટીના ‘પાંચ ન્યાય,પચીસ ગેરંટી’ને દેશની જનતા સુધી લઈ જવા માટે ‘ઘર ઘર ગેરંટી’ અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેની શરૂઆત ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટથી કરી હતી. ઓછામાં ઓછા 8 કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડવાનું પાર્ટીનું પ્લાનિંગ છે. ભાજપે રાહુલ સામે કે.કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.

ખડગેએ ‘ઘર-ઘર ગેરંટી’ અભિયાન શરૂ કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે પાર્ટીના કાર્યકરો ઓછામાં ઓછા 8 કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડશે. તેઓ લોકોને કહેશે કે અમારી સરકાર આવ્યા બાદ અમે શું કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે અમે લોકોને ગેરંટી આપીએ છીએ કે અમારી સરકાર હંમેશા ગરીબોની સાથે રહેશે અને ગરીબો માટે કામ કરશે.

ખડગેએ વધુમાં કહ્યું કે મોદીજી તેમની ગેરંટી વિશે વાત કરે છે, પરંતુ તેમની ગેરંટી સફળ થઈ નથી. લોકોને તેમની ગેરંટી મળી નથી. તેમણે દર વર્ષે બે કરોડ નોકરીઓની વાત કરી હતી. પરંતુ લોકોને નોકરી મળીનથી. તેઓએ દરેકને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આ ગેરંટી પણ પૂરી થઈ નથી.ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી.

જયરામ રમેશે કહ્યું- અમે 8 કરોડ પરિવારોને ગેરંટી કાર્ડ પહોંચાડીશું

‘ઘર-ઘર ગેરંટી અભિયાન’ શરૂ કરવાની જાહેરાત પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમારું ઘર-ઘર ગેરંટી અભિયાન શરૂ થઈ ગયું છે. અમે 8 કરોડ પરિવારોને ગેરંટી કાર્ડ પહોંચાડીશું. અમારા 5 ન્યાય 25 ગેરંટી, જેની જાહેરાત રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કરવામાં આવી હતી, તે કાર્ડનું આજથી વિતરણ કરવામાં આવશે.

વાયનાડમાં 26મી એપ્રિલે મતદાન કરીને રાહુલે 2019માં ચૂંટણી જીતી હતી

લોકસભા ચૂંટણીના મતદાનના બીજા તબક્કામાં વાયનાડમાં 26 એપ્રિલે મતદાન થશે. આ તારીખે 13 રાજ્યોની કુલ 89 બેઠકો પર મતદાન થશે.

2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ તેમની પરંપરાગત બેઠક UPમાં અમેઠી લોકસભા અને વાયનાડથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં ભાજપના સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યા હતા. જો કે વાયનાડમાં રાહુલની જીત થઈ હતી.

રાહુલને 7 લાખથી વધુ વોટ મળ્યા હતા

વર્ષ 2019માં વાયનાડમાં કુલ 13 લાખ 59 હજાર 679 મતદારો હતા. રાહુલને 7 લાખ 6 હજાર 367 વોટ મળ્યા હતા. રાહુલ 4.31 લાખ મતથી જીત્યા હતા. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને લોકસભા સીટ પર હાજર કુલ મતદારોના 51.95 ટકાનું સમર્થન મળ્યું હતું, જ્યારે આ સીટ પર પડેલા મતોના 64.64 ટકા વોટ તેમને મળ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટી દ્વારા જાહેર કરાયેલ 39 ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલનું નામ હતું. તેઓ વાયનાડથી ઉમેદવાર છે, પરંતુ અમેઠીના ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું- પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા મેચ ફિક્સિંગ કરી રહ્યા છે

INDI ગઠબંધનની લોકશાહી બચાવો મહારેલી 31 માર્ચ રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાઈ હતી. સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને હેમંત સોરેનની પત્ની કલ્પનાએ હાજરી આપી હતી.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું- પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા મેચ ફિક્સ કરી રહ્યા છે. તેઓ દેશના બંધારણને ખતમ કરવા માંગે છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે આ સરકાર (મોદી સરકાર) કોઈપણ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દે છે અને કોઈને પણ જેલમાં ધકેલી દે છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી, આ દેશ 140 કરોડ લોકોનો છે.

Leave a comment