નલિયામાં અંધજન મંડળ કેસીઆરસી દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

અબડાસા ના વડા મથક નલિયા ખાતે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં સ્થાનિક સાથે આસપાસના લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ વેળાએ સંસ્થા દ્વારા હવે નલિયા ખાતે દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે ખાસ શિક્ષણ, તાલીમ અને રોજગાર લક્ષી તાલીમ આપતો કાર્યક્રમ કાયમી ધોરણે શરૂ કરવાની તૈયારી જાહેર કરી હતી.

અંધજન મંડળ કેસીઆરસી સંસ્થા આયોજિત નેત્ર કેમ્પમાં વિજયાબેન નવીન ચંદન દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. નેત્ર સારવાર કેન્દ્ર કે જેમાં સમગ્ર અબડાસાને મોતિયો મુક્ત બનાવવા માટે કાયમી ધોરણે ચક્ષુ સારવાર સેવા નિઃશુલ્ક ચાલુ કરવામાં આવી છે, જ્યાં આ પ્રકારે કેમ્પ યોજવામાં આવતા રહે છે.

આ વેળાએ સંસ્થાના પ્રતિનિધિ તરફથી ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવે આગામી સમયમાં 1 થી 25 વર્ષના તમામ દિવ્યાંગ લોકો માટે નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ, તાલીમ અને રોજગાર લક્ષી ટ્રેનિંગ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે. આ માટે આજે આ પ્રકારના બાળકો અને વ્યક્તિઓને સેંટર ખાતે બોલાવીને તપાસ અને એડમિશન આપવામાં આવ્યા હતા. જેમાં 45 જેટલાં દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને એડમિશન આપવામાં આવ્યા હતા.

સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે વિજ્યાબેન નવીનભાઈ ચંદન – મુંબઈવાળા અને ધનલક્ષ્મીબેન હરીશભાઈ આઈયા પરિવાર, નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, રમેશ ભાનુશાલી, વગેરે આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આજના આ તપાસની કેમ્પમાં અંધજન મંડળ કે. સી. આર. સી. ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, પૂજાબેન જોશી, મંજુલાબેન ફફલ, પચાણભાઈ ગઢવી,રમાબેન ચદે,જયદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

Leave a comment