બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા

હરિયાણાના ભીવાનીના રહેવાસી ઓલિમ્પિયન બોક્સર વિજેન્દર સિંહ બુધવારે ભાજપમાં જોડાયા છે. તેમણે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીની સદસ્યતા લીધી. વિજેન્દર 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને દક્ષિણ દિલ્હીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

વિજેન્દર હરિયાણા જિલ્લાના ભીવાનીનો રહેવાસી છે. જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં એની અસર પશ્ચિમ યુપી અને હરિયાણાની સીટો પર પડી શકે છે. તેમણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આટલું જ નહીં, તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 મહિના પહેલાં કરેલા ટ્વીટથી બધાને ચોંકાવી દીધા

બોક્સર વિજેન્દર સિંહે 3 મહિના પહેલાં એક ટ્વીટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું- “રાજનીતિ કો રામ-રામ ભાઈ”. તેમના નિવેદનને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે બાદમાં તેમણે એને નકારી કાઢીને રાજકારણમાં સક્રિય રહેવાની જાહેરાત કરી હતી. તેમણે 2024માં ભીવાનીમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ પહેલાં વિજેન્દર સિંહે 2024માં કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાના ભીવાનીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત સાથે તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. વિજેન્દર સિંહે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. થોડા સમય પહેલાં વિજેન્દરની પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ હતી.

દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા

વિજેન્દર સિંહે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસે દક્ષિણ દિલ્હી બેઠક પરથી વિજેન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ અહીં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ જાટ સમુદાયમાંથી આવે છે. તેમણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આટલું જ નહીં, તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બોલિવૂડમાં પણ સક્રિય રહ્યા

વિજેન્દર સિંહે 13 જૂન 2014ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ફગલીથી અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મનું નિર્માણ અક્ષય કુમાર અને અશ્વિની યાર્ડીની માલિકીની ગ્રાઝિંગ ગોટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે એની ફિલ્મને સરેરાશથી વધુ રિવ્યૂ મળ્યા હતા. અગાઉ 2011માં દક્ષિણ ભારતીય નિર્દેશક આનંદ દ્વારા ફિલ્મ બનાવવાની ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ બાદમાં વિજેન્દર સિંહે એની પુષ્ટિ કરી ન હતી.

ડ્રગ્સ સ્મગલર સાથે જોડાયું હતું નામ

પંજાબ પોલીસે અર્જુન એવોર્ડ ખેલાડી જગદીશ સિંહ ઉર્ફે ભોલાના ઘરેથી 130 કરોડ રૂપિયાની કિંમતનું 26 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. દાણચોર અનૂપ સિંહે દાવો કર્યો હતો કે વિજેન્દર સિંહ અને તેના મિત્ર રામ સિંહે ઘણી વખત હેરોઈન ખરીદ્યું હતું. પોલીસની કડક પૂછપરછ દરમિયાન વિજેન્દરના મિત્ર રામ સિંહે ડ્રગ્સ લીધાનું કબૂલ્યું હતું.

જ્યારે તસ્કરના ઘરમાં બોક્સર વિજેન્દર સિંહનો ફોટો મળી આવ્યો હતો, તો તેની પત્નીના નામે નોંધાયેલી કાર પણ ઘરની બહારથી મળી આવી હતી. જોકે આ સમગ્ર મામલે વિજેન્દર અને તેની પત્ની અર્ચનાએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

Leave a comment