2 પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓ ‘ભારત રત્ન’થી સન્માનિત

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પાંચ વિભૂતિયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

આ વિભૂતીઓને મળ્યો ભારત રત્ન

આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘ભારત રત્ન’ સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ આવતીકાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને જઈને ભારત રત્ન એનાયત કરશે.

વડાપ્રધાન મોદીએ ભારત રત્નની જાહેરાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્નની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહની સાથે કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને (મરણોત્તર) દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવશે. આ જાહેરાત અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરને (મરણોત્તર) અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પણ કરી હતી. પહેલીવાર એક જ વર્ષમાં પાંચ ભારત રત્ન એનાયતની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ 1999માં ચાર લોકોને દેશના સર્વોચ્ચ નાગર આપવામાં આવ્યા હતા.

Leave a comment