ગુજરાતમાં પાંચ દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેશે

ગુજરાતભરમાં હાલમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકો ઓછા જોવા મળી રહ્યા છે. કારણ કે, છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અમદાવાદમાં પણ આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને વાતાવરણની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દિવસે અંગ દઝાડતી ગરમી પડશે તો રાત્રિના લોકો અકળાશે. બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની સંભાવના છે. ગુજરાતમાં પાંચ દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે પાંચ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા ઓછા પ્રમાણમાં છે તેવું જણાવ્યું છે. પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વોર્મ નાઇટ્સ રહેવાની સંભાવના છે. એટલે કે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક વધારો થવાથી ગરમીનો વધુ પ્રમાણમાં અહેસાસ થશે.

અમદાવાદમાં રાત્રિનું તાપમાન ચાર-પાંચ ડિગ્રી વધુ નોંધાયું

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વોર્મ નાઈટ રહી હતી. જેમાં બનાસકાંઠા, આણંદ અને અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં ચારથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું હતું.

24 કલાકમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયું

વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યાં 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા અને આણંદમાં વોર્મ નાઇટ રહેવાની શક્યતા છે.

48 કલાક બાદ કેટલાક જિલ્લાનું તાપમાન એક-બે ડિગ્રી ઘટશે

વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ અને ખંભાતના અખાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. અરબ સાગર તરફથી આવતા પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે. 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ફોલિંગ ટેન્ડન્સીમાં છે. એટલે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 કલાક બાદ ગુજરાતના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સુધી ઘટી શકે છે. તેને કારણે ગુજરાતવાસીઓને ગરમીથી થોડા અંશે રાહત મળી શકે છે. પરંતુ આ રાહત રહેશે નહીં. કારણ કે, આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતાઓ છે.

Leave a comment