ટી.બી.એક ગંભીર પ્રકારનો સંક્રમિત રોગ છે.પરંતુ સતર્કતા જ ટી.બી. સામે મોટો બચાવ હોવાનું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના તબીબોએ જણાવ્યું હતું
જી.કે.ના પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે ૨૪ માર્ચના રોજ દુનિયા ભરમાં ઉજવાતા વિશ્વ ટી. બી.દિવસ નિમિતે કહ્યું કે,જો સતત તાવ અને ઉધરસની સમસ્યા હોય અને વજનમાં નિરંતર ઘટાડો થાય તો ચેતી જવા જેવું છે.કારણકે આ બેક્ટેરિયા જનક ગંભીર રોગ હોવાથી વર્ષ દરમિયાન દેશમાં અનેક વ્યક્તિઓ સંક્રમિત થાય છે.
ટી.બી.ગ્રસ્ત દર્દી ઉધરસ ખાય તો તે સામે સાવધાની વર્તવાની જરૂર ઉપર ભર મૂકી તબીબે કહ્યું કે,ટી.બી.ના દર્દીની ખાંસીમાં નીકળતા પાણી જેવા કણોના સંપર્કમાં આવનાર વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે.તેમાંય જેમની ઈમ્યુનીટિ નબળી હોય તેવી વ્યક્તિ જલ્દી શિકાર બની જાય છે.
ભીળભાળ વાળી જગ્યામાં સંક્રમણનો ફેલાવો વધુ થતો હોય છે,પરંતુ ઘરમાં પણ કોઈ એક વ્યકિતને ટીબી.ની અસર હોય તો અન્યોએ સાવચેત બની જવું જરૂરી છે.આ ઉપરાંત જેમને કિડની, લિવર,કેન્સર અને એચ.આઇ.વી.જેવી ગંભીર સમસ્યા હોય તો પણ આ રોગ પ્રભાવિત કરે છે.
શરીરમાં એકધારો તાવ, ઓછી ભૂખ,વજન ઘટવું, ફેફસાંમાં ટી.બી.હોય તો ઉધરસ, ગળફામાં લોહી આવી શકે છે.જો હાડકાંનો ટી.બી.હોય તો દુખાવો વિગેરે જોવા મળે છે.
જી.કે.ના પલ્મોનોલોજી મેડિસિન ડો.સ્મિત યાદવે જણાવ્યું કે,ટી.બી.સામે સાવધ રહેવાનું શસ્ત્ર બીસીજીની રસી છે.બાળકોને રસી મૂકાવી જ દેવી જે સંક્રમણ રોકવા સમર્થ છે.વ્યક્તિએ પોતાની ઇમ્યુનીટિ સ્ટ્રોંગ રાખવી,જો ડાયાબિટીસ હોય તો કંટ્રોલમાં રહે તે જોવું.ભોજન સહિત દિનચર્યા નિયમિત રાખવી,પ્રોટીનયુક્ત ખોરાક ઉપર ભાર મૂકવો, ખાસ તો ઈલાજ અધવચ્ચે છોડી દેવાથી સંક્રમણ ગંભીર બની શકે,આજે ભારતમાં ટી.બી.ની ગુણવતા સભર અને વિનામૂલ્યે દવા ઉપલબ્ધ હોતાં સારવારમાં કોઈ કચાસ રાખવી જોખમી બની શકે.
જી.કે.જનરલ હોસ્પિટલમાં ડ્રગ રેજિસ્ટન્ટ ટી.બી.અને જેમને ટી.બી.થવાની સંભાવના જણાય, તેમને શંકાસ્પદ કેસ ગણી ચકાસણી અને રોગ દેખાય તો સારવાર તેમજ દરેક પ્રકારના ટી.બી.ની સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે.
