જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મેડિસિન વિભાગના તબીબે ગરમીના મોજાથી બચવા આપી ટિપ્સ

~ શરીરને હાઈડ્રેટ રાખવા સતત પાણી પીવું: દારૂ વાસી અને બજારુ ખોરાક બીમારી નોતરી શકે

~ હિટ વેવમાં હૃદય લિવર કિડની જેવા ગંભીર રોગ હોય તો ધૂપમાં નીકળવાનું ટાળવું:

કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આગામી દિવસોમાં ઉનાળો સામાન્ય કરતાં વધુ સખત રહેશે તેવી મોસમ વિભાગે ચેતવણી પણ આપી છે, તેવા સંજોગોમાં જી.કે.જન.અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ આ ગરમ લહેર અને “લૂ”માં સાવધાન રહેવા જણાવ્યું છે.

જી.કે.ના મેડિસિન વિભાગના ડો. યેશા ચૌહાણના માર્ગદર્શન મુજબ શક્ય બને ત્યાં સુધી ધૂપમાં બહાર નીકળવું નહિ એ જ હિતાવહ છે. આ દરમિયાન “લૂ” લાગી શકે છે, જેથી બીમાર થઈ જવાની સંભાવના વધી જાય છે. ગરમીના દિવસોમાં પાણી પીતા રહેવું જોઇએ. સામાન્ય રીતે લોકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે.

શરીરમાં પૂરતું પાણી હોવું ગરમીની સિઝનમાં ખૂબ જરૂરી છે. પાણી ઉપરાંત છાસ, લીંબુ પાણી, નારિયેળનું પાણી અને જે ફળોમાં વધુ પાણી(વોટર ફલક્સ) હોય તેવા ફળો પણ ઉપયોગમાં લઇ શકાય.આ દિવસોમાં ચા, કોફી કે શરાબના સેવનથી બચત રહેવાની પણ સલાહ આપી છે.

આટલી સાવચેતી રાખવાની હોય છે જ તેમ છતાં પણ જો બહાર નીકળવાનું થાય તો શરીરને કવર કરીને નીકળવું, સુતરાઉ ઢીલાં કપડાં પહેરવાની સાથે ટોપી અને આંખને સુરક્ષિત કરવા સનગ્લાસ પહેરીને બહાર જવું. વધુ પડતી કસરતથી બચવું અને જેમને હૃદય રોગ, લીવર અને કિડનીની ગંભીર બીમારી હોય તો  તેમણે બપોરે તડકામાં બહાર નીકળવાનું ટાળવું અતિ જરૂરી છે. બાળકો તડકામાં ના રમે તે માટે સાવધ રહેવું.

આ હિટ વેવમાં “લૂ”ની અસર દેખાય તો, તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવો અને તેમાંય બાળકો અને બુઝૂર્ગોમાં આ અસર દેખાય તો લગીરે આળસ વિના દવાખાને પહોંચી જવું.

“લૂ” ના લક્ષણો અંગે તબીબોએ જણાવ્યું કે, લૂ ગ્રસ્ત દર્દીને ચક્કર આવે, નબળાઈ જણાય, માથું દુઃખવા લાગે, વધુ પડતી તરસ લાગે જેવા અનેક સંકેતો આગોતરા જોવા મળે છે.

આ ગરમીની લહેરમાં અંકુરિત કઠોળ અને શાકભાજી ભોજનમાં સામેલ કરવા જેમાં ખાસ કરીને ભોજનમાં દૂધીનો પણ ઉપયોગ કરી શકાય છે. ગરમીની લહેરના દિવસોમાં બહારની ખાણી પીણી અને તેમાંય શેરીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી વ્યક્તિ બીમાર પડી શકે છે. વાસી ખોરાકથી પણ દૂર રહેવું એમ તબીબોએ જણાવ્યું હતું.

Leave a comment