જી.કે.જન.અદાણી હોસ્પિ.માં હાઈગ્રેડ પ્રકારના ગણાતા ગર્ભાશયની દિવાલના કેન્સરનું કર્યું સફળ  ઓપરેશન

કેટલાક કેન્સર એટલા ભયાનક હોય છે કે નામ સાંભળતા જ લખલખું પસાર થઈ જાય, આવા કેન્સરમાં ગર્ભાશયની દિવાલનું કેન્સર પણ એ જ શ્રેણીમાં આવે છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબના જણાવ્યા મુજબ મહિલામાં જુદા જુદા અંગોના કેન્સરથી થતા મૃત્યુમાં ગર્ભાશયની દિવાલના કેન્સરનો નંબર પાંચમો ગણાય છે.

જી.કે.ના સ્ત્રીરોગ નિષ્ણાત તબીબો અને સર્જરી વિભાગના ડોક્ટરોએ આ હાઇગ્રેડ પ્રકારના  કેન્સરનું ઓપરેશન કરી, કેન્સરગ્રસ્ત બહેનને નવજીવન આપ્યું હતું. જેમાં ડો.ઋષિકેશ સુરાણીનું માર્ગદર્શન સાંપડ્યું હતું. 

જી.કે. ના સ્ત્રી રોગ વિભાગના નિષ્ણાત ડો.વિનોદ મકવાણાએ  આ ઓપરેશનની સફળતા બાદ જણાવ્યું કે, માનકુવાના વાલુબેન રબારી(ઊ.વ. ૫૫) ને લાંબા સમયથી ગર્ભાશયમાંથી લોહી આવવાની સમસ્યા હતી. જી.કે.માં આવ્યા ત્યારે તેમનું સીટી સ્કેન અને એમ.આર.આઇ. કરાવતા ગર્ભાશયની દિવાલનું કેન્સર માલૂમ પડ્યું. એટેલે ઓપરેશન જરૂરી બની ગયું.વળી તેમનું વજન પણ વધુ હતું.

 સર્જરી વિભાગના ડો.આદિત્ય પટેલે કહ્યું કે, સામાન્ય રીતે આ પ્રકારના કેન્સરના ઓપરેશન મોટા શહેરોમાં થતા હોય છે પરંતુ દર્દી જી.કે.માં જ ઓપરેશન માટે સહમત થતાં તાત્કાલિક શસ્ત્રક્રિયા કરી ગર્ભાશયની દિવાલ તેમજ તેના આનુષંગિક અવયવ જેમ કે, લીમ્ફનોડ પણ દૂર કરાતા દર્દીને રાહત થઈ સાથે અત્રે ઓપરેશન કરાવતા આર્થિક રીતે પણ કુટુંબને રાહત મળી. આ ઓપરેશનમાં સ્ત્રીરોગ ડો.ઋષિકેશ સુરાણી, ડો.વિન્સી ગાંધી ઉપરાંત સર્જરી વિભાગના સર્જન દો.દેવાંશી, ડો.કિસન મીરાણી, યશ પટેલ અને નર્સિંગ સ્ટાફ જોડાયા હતા.

Leave a comment